
મહેસાણા, 24 ફેબ્રુઆરી (હિ.સ.) મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ખાવડ સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC)ની તા. 24/02/2026ના રોજ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. બ્રિજેશભાઈ પ્રજાપતિ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન આરોગ્ય કેન્દ્રમાં ઉપલબ્ધ આરોગ્ય સેવાઓની કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
મુલાકાત દરમિયાન ડૉ. બ્રિજેશભાઈ પ્રજાપતિએ આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓને આપવામાં આવતી સારવાર, દવાઓની ઉપલબ્ધતા તેમજ વિવિધ આરોગ્ય કાર્યક્રમોની કામગીરી અંગે વિગતવાર માહિતી મેળવી હતી. સાથે સાથે આરોગ્ય સેવાઓ વધુ સુદ્રઢ અને અસરકારક બને તે માટે સ્ટાફ સાથે ચર્ચા કરી જરૂરી સૂચનો આપ્યા હતા.
આ ઉપરાંત પશુ દવાખાનામાં ઉપલબ્ધ સોનોગ્રાફી મશીનની પણ તપાસ કરવામાં આવી હતી અને તેની કાર્યક્ષમતા અંગે માહિતી મેળવી હતી. મશીનનો યોગ્ય રીતે ઉપયોગ થાય અને દર્દીઓને સમયસર લાભ મળે તે માટે સંબંધિત સ્ટાફને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ મુલાકાતથી આરોગ્ય સેવાઓની ગુણવત્તા સુધારવા અને ગ્રામ્ય વિસ્તારોના લોકોને વધુ સારી આરોગ્ય સુવિધા ઉપલબ્ધ થાય તે માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR