
મહેસાણા, 24 ફેબ્રુઆરી (હિ.સ.) મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના કનોડા ગામે ONGCની ક્રૂડ ઓઈલ પાઈપલાઈનમાંથી લીકેજ થવાને કારણે ખેડૂતને ભારે નુકસાન વેઠવું પડ્યું છે. કનોડા ગામના સુષ્માબેન પટેલના સર્વે નંબર 359 ધરાવતા ખેતરમાંથી પસાર થતી મુખ્ય પાઈપલાઈન છેલ્લા ચાર દિવસથી લીક થવાને કારણે ખેતરમાં મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઈલ ફેલાઈ ગયું હતું.
આ લીકેજના કારણે આશરે 3 વિઘા જમીનમાં વાવેલા ઘઉંના તૈયાર પાકમાં 15 ઈંચ જેટલું ઓઈલ ફરી વળ્યું હતું, જેના પરિણામે સમગ્ર પાક સંપૂર્ણપણે બરબાદ થઈ ગયો છે. વધુમાં ઓઈલ જમીનમાં 3 ફૂટ ઊંડે સુધી ઉતરી જતા જમીનની ફળદ્રુપતા પણ નષ્ટ થઈ ગઈ છે. હવે આ જમીનને ફરી ખેતીલાયક બનાવવા માટે 3 ફૂટ સુધીની માટી કાઢીને નવી માટી નાખવી પડશે, જેમાં લાખો રૂપિયાનો ખર્ચ થવાની શક્યતા છે.
ONGCના અધિકારીઓએ ઘટનાસ્થળની મુલાકાત લઈ પાકનું વળતર આપવાની ખાતરી આપી છે, પરંતુ ખેડૂતના જણાવ્યા મુજબ માત્ર પાકનું વળતર પૂરતું નથી અને જમીનને થયેલા નુકસાન માટે પણ વળતર આપવું જરૂરી છે. ONGCની વારંવારની બેદરકારી સામે સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR