

મહેસાણા, 24 ફેબ્રુઆરી (હિ.સ.) મહેસાણા ખાતે કાર્યરત RSETI (Rural Self Employment Training Institute)માં ચાલી રહેલી BC સખી તાલીમ અને ઉન્નતિ પ્રોજેક્ટ અંતર્ગત ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી તાલીમ કાર્યક્રમની આજરોજ મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન તાલીમાર્થી બહેનોને તાલીમના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું અને તેમને આ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવા પ્રોત્સાહિત કરવામાં આવી.તાલીમ દરમિયાન બહેનોને કેમેરાનો ઉપયોગ, ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફીના મૂળભૂત સિદ્ધાંતો, લાઈટિંગ, ફ્રેમિંગ તેમજ પ્રેક્ટિકલ માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. આ તાલીમનો મુખ્ય હેતુ ગ્રામ્ય વિસ્તારોની મહિલાઓને નવી કુશળતા પ્રદાન કરીને તેમને સ્વરોજગાર તરફ આગળ વધારવાનો છે.મુલાકાતી મહાનુભાવોએ તાલીમાર્થી બહેનો સાથે સંવાદ કરી તેમની પ્રગતિ અંગે માહિતી મેળવી અને તાલીમનો સંપૂર્ણ લાભ લઈ પોતાના જીવનમાં આત્મનિર્ભર બનવા માટે પ્રેરણા આપી. તેમણે જણાવ્યું હતું કે આજના ડિજિટલ યુગમાં ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી એક ઉત્તમ રોજગારનું માધ્યમ બની રહ્યું છે.આ તાલીમથી બહેનોને નવી દિશા મળશે અને તેઓ ભવિષ્યમાં સ્વરોજગાર શરૂ કરીને આર્થિક રીતે સશક્ત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR