
પાટણ, 24 ફેબ્રુઆરી (હિ.સ.) પાટણ જિલ્લાની પી.પી.જી. એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલ અને શ્રી વી.આર. પટેલ ઉ.મા. શાળાને જિલ્લાની શ્રેષ્ઠ શાળા તરીકે સન્માનિત કરવામાં આવી છે. જિલ્લા અધિકારી કચેરી દ્વારા આયોજિત સમારંભમાં શાળાને રૂપિયા 1 લાખનો ચેક અને શ્રેષ્ઠ શાળા પ્રમાણપત્ર એનાયત કરાયું. છેલ્લા ત્રણ વર્ષની સિદ્ધિઓ અને પાંચ મુખ્ય વિભાગોમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ શાળાએ આ ગૌરવ મેળવ્યું છે.
શાળાએ શાળા ભાવાવરણ, અસરકારક વર્ગકાર્ય, સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓ, પરિણામલક્ષી લોકભાગીદારી અને પ્રેરક વિશેષતાઓ સહિત 29 માપદંડોમાંથી 150 ગુણમાં 128 ગુણ મેળવી જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. ગુણોત્સવમાં ‘એ’ ગ્રેડ સાથે શાળાએ ગુણવત્તાસભર શિક્ષણનો ધોરણ જાળવ્યો છે.
North Gujarat Education Society દ્વારા સંચાલિત આ શાળા પાંચ દાયકાની શૈક્ષણિક પરંપરા ધરાવે છે. ટ્રસ્ટીગણની દીર્ઘદ્રષ્ટિ અને વહીવટકર્તાઓની કુશળતા કારણે શાળાએ શ્રેષ્ઠતાના માપદંડો હાંસલ કર્યા છે. કેમ્પસમાં સ્માર્ટ ક્લાસ, આધુનિક કમ્પ્યુટર લેબ, વિજ્ઞાન-વાણિજ્ય-કલા પ્રવાહ, સીસીટીવી, સોલાર રૂફ, આરઓ વોટર સિસ્ટમ અને સમૃદ્ધ પુસ્તકાલય જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે.
શાળાના વિદ્યાર્થીઓ ડોક્ટર, એન્જિનિયર, સીએ અને ઉદ્યોગસાહસિક તરીકે વિવિધ ક્ષેત્રોમાં સફળતા મેળવી રહ્યા છે. ખેલ મહાકુંભ, કલા મહાકુંભ, યુવા ઉત્સવ અને વિજ્ઞાન પ્રદર્શનમાં રાજ્ય તથા રાષ્ટ્રીય સ્તરે શાળાએ નોંધપાત્ર સિદ્ધિઓ મેળવી છે. શિક્ષકો પણ લેખન, સંશોધન અને ઇનોવેશન ક્ષેત્રે અગ્રેસર છે.
એન.એસ.એસ., એન.સી.સી., સ્કાઉટ-ગાઈડ અને ઇકો ક્લબ જેવી પ્રવૃત્તિઓ શાળામાં સક્રિય છે. NGES કેમ્પસના CDO ડૉ. જય ધ્રુવે સમગ્ર શાળા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા, જ્યારે ડૉ. ઝુઝારસંગ સોઢાએ આ એવોર્ડ શાળા પરિવાર અને વિદ્યાર્થીઓને અર્પણ કર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ