

મહેસાણા, 24 ફેબ્રુઆરી (હિ.સ.) પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં આવેલી ‘લાલુમલની લસ્સી’ આજે શહેરની ઓળખ બની ગઈ છે. વર્ષ 1948માં પાકિસ્તાનના સિંધ પ્રાંતથી ભાગલા દરમિયાન ભારત આવેલા લાલુમલભાઈએ સિદ્ધપુરમાં નાનકડી લારી પરથી પેડા અને માવાનો વ્યવસાય શરૂ કર્યો હતો. બાદમાં તેમણે પરંપરાગત રેસિપીથી લસ્સી વેચવાનું શરૂ કર્યું, જે થોડા જ સમયમાં ખૂબ લોકપ્રિય બની.
લસ્સીની વધતી માંગને કારણે લારી દુકાનમાં પરિવર્તિત થઈ અને આજે 78 વર્ષ બાદ આ વ્યવસાય ત્રીજી પેઢી સુધી પહોંચી ગયો છે. હાલ લાલુમલભાઈના પુત્ર નારાયણદાસ અસનાની અને પૌત્ર વિશાલ અસનાની આ વારસાને આગળ ધપાવી રહ્યા છે. દુકાનમાં આજે પણ વર્ષો જૂનો સ્વાદ અને ગુણવત્તા જાળવી રાખવામાં આવે છે.
આ દુકાનની લસ્સીનો સ્વાદ માણવા માટે દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈ, અભિનેતા અમિતાભ બચ્ચન સહિત અનેક જાણીતા લોકો અહીં આવી ચૂક્યા છે. હાલમાં નાનો ગ્લાસ ₹50 અને મોટો ગ્લાસ ₹100માં લસ્સી મળે છે. ‘લાલુમલની લસ્સી’ આજે માત્ર દુકાન નહીં પરંતુ સંઘર્ષ, મહેનત અને પરંપરાગત સ્વાદની જીવંત ઓળખ બની છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR