વેસુ ફાયર સ્ટેશનમાં ફરજ બજાવતાં ચાલક દ્વારા આપઘાતનો પ્રયાસ
સુરત, 24 ફેબ્રુઆરી (હિ.સ.) શહેરનાં વેસુ ખાતે આવેલ ફાયર સ્ટેશનમાં ઉપરી અધિકારીનાં અસહ્ય ત્રાસથી કંટાળેલા જવાને ગત રોજ ફાયર સ્ટેશનનાં પરિસરમાં જ આપઘાતનો પ્રયાસ કરતાં ભારે ચકચાર મચી જવા પામી છે. છેલ્લા કેટલાક સમયથી હાઈડ્રોલિક પ્લેટફોર્મમાં ચાલક તરી
વેસુ ફાયર સ્ટેશનમાં ફરજ બજાવતાં ચાલક દ્વારા આપઘાતનો પ્રયાસ


સુરત, 24 ફેબ્રુઆરી (હિ.સ.) શહેરનાં વેસુ ખાતે આવેલ ફાયર સ્ટેશનમાં ઉપરી અધિકારીનાં અસહ્ય ત્રાસથી કંટાળેલા જવાને ગત રોજ ફાયર સ્ટેશનનાં પરિસરમાં જ આપઘાતનો પ્રયાસ કરતાં ભારે ચકચાર મચી જવા પામી છે. છેલ્લા કેટલાક સમયથી હાઈડ્રોલિક પ્લેટફોર્મમાં ચાલક તરીકે ફરજ બજાવતાં કર્મચારીને ઉપરી અધિકારી દ્વારા અવાર - નવાર હાજરી સહિતની બાબતોમાં માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો હોવાની ચર્ચા વચ્ચે ગત રોજ ચાલક પ્રકાશ ચિંદા દ્વારા શરીરે ડિઝલ નાખીને આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અલબત્ત, ઘટના સ્થળે હાજર ઉચ્ચાધિકારીઓએ ત્વરિત સમય સુચકતા વાપરીને પ્રકાશ ચિંદા પાસેથી લાઈટર લઈ લીધું હતું અને ભારે સમજાવટ બાદ અંતે મામલો થાળે પડ્યો હતો. જો કે, આ ઘટનાને પગલે વધુ એક વખત મહાનગર પાલિકાનાં ફાયર વિભાગમાં ચોક્કસ અધિકારીઓનાં ત્રાસની ચર્ચાએ જોર પકડ્યું છે.

સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર છેલ્લા કેટલાક સમયથી વેસુ ફાયર સ્ટેશન ખાતે હાઈડ્રોલિક પ્લેટફોર્મનાં ચાલક તરીકે પ્રકાશ ચિંદા ફરજ બજાવી રહ્યા છે. આ જ ફાયર સ્ટેશનમાં સ્ટેશન ઓફિસર તરીકે પ્રગ્નેશ પટેલ પણ ફરજ બજાવે છે. જો કે, પ્રગ્નેશ પટેલ દ્વારા છાશવારે પ્રકાશ ચિંદાને યેન કેન પ્રકારેણ હેરાન કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો ઉઠવા પામ્યા છે.

ગત રોજ પણ પ્રકાશ ચિંદા રાત્રે 8 વાગ્યાની આસપાસ હાઈડ્રોલિક પ્લેટફોર્મની સાફ સફાઈ કરી રહ્યો હતો આ દરમિયાન એસ.ઓ. પ્રગ્નેશ પટેલે પ્રકાશને ઓફિસે બોલાવ્યો હતો અને હાજરી સહિતની બાબતમાં તેને ખખડાવવાનું શરૂ કરી દીધું હતું. આ દરમિયાન ઉપરી અધિકારી પ્રગ્નેશ પટેલનાં અસહ્ય ત્રાસને કારણે પ્રકાશ ચિંદા અત્યંત વ્યથિત થઈ ગયો હતો. આ દરમિયાન તે ઓફિસની બહાર નીકળીને પોતાના શરીરે ડિઝલ છાંટીને સળગી જવાનો પ્રયાસ કરતાં ભારે ચકચાર મચી જવા પામી હતી. ઘટના સ્થળે હાજર ડિવીઝનલ ઓફિસર સહિતનાં કર્મચારીઓએ તાત્કાલિક પ્રકાશ ચિંદા પાસે રહેલ લાઈટર છિનવી લીધું હતું અને તેને આ પ્રકારનું કૃત્ય ન કરવા અંગે પણ સમજાવ્યો હતો. હાઈ વોલ્ટેજ ડ્રામાની જેમ અંતે પ્રકાશ ચિંદાએ પોતાનાં ઉપરી અધિકારીઓની વાતને માન આપ્યું હતું અને મામલો થાળે પડ્યો હતો. બીજી તરફ, છેલ્લા કેટલાક સમયથી વેસુ ફાયર સ્ટેશનમાં ફરજ બજાવતાં પ્રગ્નેશ પટેલ દ્વારા પ્રકાશ ચિંદાને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો હોવાની ચર્ચાએ પણ જોર પક્ડયું છે. આ અંગે ફાયર વિભાગમાં ફરજ બજાવતાં અન્ય કર્મચારીઓમાં પણ તરેહ તરેહની ચર્ચાઓ ઉઠવા પામી છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande