સુરત એસ.ટી. વિભાગ દ્વારા હોળી-ધૂળેટી પર્વ નિમિત્તે વતન જનારા મુસાફરો માટે 570 વધારાની બસો ચલાવવાનું આયોજન
સુરત, 24 ફેબ્રુઆરી (હિ.સ.) આગામી હોળી અને ધૂળેટીના પર્વને ધ્યાનમાં રાખીને સુરત એસ.ટી. વિભાગ દ્વારા મુસાફરોની સુવિધા માટે વધારો થાય તે માટે વધારાની બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. વધુ વિગતો આપતા સુરત એસ.ટી. વિભાગના વિભાગીય નિયામક પી.વી.
Surat


સુરત, 24 ફેબ્રુઆરી (હિ.સ.) આગામી હોળી અને ધૂળેટીના પર્વને ધ્યાનમાં રાખીને સુરત એસ.ટી. વિભાગ દ્વારા મુસાફરોની સુવિધા માટે વધારો થાય તે માટે વધારાની બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. વધુ વિગતો આપતા સુરત એસ.ટી. વિભાગના વિભાગીય નિયામક પી.વી. ગુર્જરે જણાવ્યું હતું કે, મધ્ય ગુજરાતના છોટાઉદેપુર, દાહોદ, ગોધરા અને પંચમહાલ જિલ્લાના શ્રમિકો અને નાગરિકો જેઓ રોજગારી અર્થે સુરતમાં સ્થાયી થયા છે, તેઓ પોતાના વતનમાં હોળીનો તહેવાર ઉજવી શકે તે માટે નિગમ દ્વારા આગામી 27 ફેબ્રુઆરી થી તા.2જી માર્ચ દરમિયાન વિશેષ બસો દોડાવવામાં આવશે. આ વર્ષે સુરત ડિવિઝન દ્વારા કુલ 570 જેટલી વધારાની બસોનું સંચાલન કરવામાં આવશે, જેથી મુસાફરોને ખાનગી ટ્રાવેલ્સના ઊંચા ભાડા અને ભીડભાડથી મુક્તિ મળી શકે.

મુસાફરોની સગવડતા માટે ભાડાના દરો પણ નિયત કરવામાં આવ્યા છે, જે અંતર મુજબ રૂા.325 થી લઈને રૂા.355 સુધીના રહેશે. મહત્વની વાત એ છે કે, તહેવારના સમયે પણ મુસાફરો પાસેથી કોઈ પણ પ્રકારનો વધારાનો ચાર્જ વસૂલવામાં આવશે નહીં અને સરકારી નિયમ મુજબના સામાન્ય ભાડામાં જ આ સુવિધા પૂરી પાડવામાં આવશે. મુસાફરોને બોર્ડિંગમાં સરળતા રહે તે માટે સુરતના વિવિધ વિસ્તારો જેવા કે, રામનગર રાંદેર રોડ ખાતેથી, સેન્ટ્રલ બસ સ્ટેશન પાસેનું સીટી બસ સ્ટેન્ડ અને ઓલપાડ ખાતેથી બસો ઉપડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ બસો સાંજે 4.00 વાગ્યાથી લઈને રાત્રીના ટ્રાફિક મળશે ત્યાં સુધી ચલાવવામાં આવશે. વધુમાં તેમણે કહ્યું કે, મુસાફરો માટે ઓનલાઈન બુકિંગની સુવિધા પણ ઉપલબ્ધ છે. જો કોઈ સોસાયટી કે વિસ્તારના ૫૨ મુસાફરો એકસાથે ગ્રુપ બુકિંગ કરાવશે, તો એસ.ટી. નિગમ દ્વારા તે બસને મુસાફરોના ઘર આંગણે (ડોર સ્ટેપ) મોકલવામાં આવશે. આ આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય દુરથી રોજગારી અર્થે સુરતમાં આવેલા શ્રમિકો પોતાના માદરે વતન હોળી-ધુળેટીનો તહેવાર ધામધુમપૂર્વક મનાવી શકે તે માટે સુરક્ષિત અને સુવિધાજનક મુસાફરી પૂરી પાડવાનો છે.

સુરતના સેન્ટ્રલ બસ સ્ટેશનની સામે સીટી બસ સ્ટેશન તથા રામનગર રાંદેરથી બસોના ભાડાના દરો જોઈએ તો અમદાવાદ રૂા.325, દાહોદના રૂા.350, ઝાલોદના રૂા.355, ગોધરાના રૂા.305, લુણવાડાના રૂા.330, કવાંટના રૂા.305, છોટાઉદેપુરના રૂા.315, ઝાલોદના રૂા.355 રહેશે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande