
જામનગર, 24 ફેબ્રુઆરી (હિ.સ.) :
રાષ્ટ્રીય પશુરોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત જામનગર જિલ્લામાં પશુપાલન ખાતા દ્વારા ગાય અને ભેંસ વર્ગના પશુઓમાં જોવા મળતા અત્યંત ચેપી એવા ખરવા-મોવાસા (Foot and Mouth Disease) રોગને નાથવા માટે રસીકરણના આઠમા રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું છે. પશુપાલન શાખા, જામનગર મહાનગરપાલિકા અને દૂધ સંઘના સંયુક્ત ઉપક્રમે આ અભિયાન આગામી તા. ૦૧/૦૩/૨૦૨૬ થી ૧૫/૦૪/૨૦૨૬ સુધી ચાલશે.
ખરવા-મોવાસા એ પશુઓમાં દૂધ ઉત્પાદન અને વજનમાં ઘટાડો કરતો અત્યંત નુકસાનકારક રોગ છે. પશુઓમાં તીવ્ર તાવ, મોં અને પગની ખરીઓ વચ્ચે ચાંદા પડવા તેમજ લાળ પડવી જેવા લક્ષણો જોવા મળે છે. આ ગંભીર રોગથી પશુધનને બચાવવા માટે વર્ષમાં બે વખત વિનામૂલ્યે રસીકરણ કરવામાં આવે છે. આ રાઉન્ડ દરમિયાન જામનગર જિલ્લાના તમામ ગામોમાં જઈને અંદાજે ૨,૬૮,૦૦૦ પશુઓને રસીથી સુરક્ષિત કરવામાં આવશે.
રસીકરણની સાથે પશુપાલકોએ પોતાના બાકી રહેલા પશુઓના કાને 'યુનિક આઈડી' માટે ટેગિંગ કરાવવું ફરજિયાત રહેશે. રસીકરણની વિગતો એન.ડી.એલ.એમ. (NDLM) પોર્ટલ પર ઓનલાઈન નોંધવા માટે પશુપાલકોએ અધિકૃત કર્મચારીઓને આધાર કાર્ડ નંબર અને મોબાઈલ પર આવતા ઓ.ટી.પી.ની જાણકારી આપવાની રહેશે. જોકે, સાવચેતીના ભાગરૂપે પશુપાલકોને અન્ય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે ફોન પર ઓ.ટી.પી. ન આપવા પણ નાયબ પશુપાલન નિયામક દ્વારા અપીલ કરવામાં આવી છે.
જામનગર જિલ્લાના પશુપાલકોને તેમના બહુમૂલ્ય પશુધનની સુરક્ષા માટે આ ઝુંબેશનો મહત્તમ લાભ લેવા અને વધુ માહિતી માટે નજીકના પશુ દવાખાનાનો સંપર્ક કરવા જણાવાયું છે. પશુઓમાં રોગચાળો અટકાવવા અને આર્થિક નુકસાનથી બચવા માટે સમયસરનું રસીકરણ એ જ સૌથી અસરકારક ઉપાય છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt