

પાટણ, 24 ફેબ્રુઆરી (હિ.સ.) પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હીરલ ઠાકર અને ટાઉન પ્લાનિંગ ઓફિસર ચંદ્રકાંત સોલંકી વિરુદ્ધ ભાજપના સદસ્યો દ્વારા એ ડિવિઝન પોલીસ મથકે લેખિત અરજી કરવામાં આવી છે. રેલવે સ્ટેશન પાસે બનેલા કે-શ્યામ સ્ક્વેર બિલ્ડિંગને ઇમ્પેક્ટ ફીના નિયમો વિરુદ્ધ મંજૂરી આપવાના આક્ષેપ સાથે સત્તાનો દુરુપયોગ અને આર્થિક લાભ લેવાનો આરોપ મૂકાયો છે.
ફરિયાદ પાટણ નગરપાલિકાના ઉપપ્રમુખ, દંડક, સદસ્યો તેમજ પૂર્વ પ્રમુખ અને ઉપપ્રમુખ દ્વારા સંયુક્ત રીતે નોંધાવવામાં આવી છે. અરજીમાં જણાવાયું છે કે ગુજરાત અનધિકૃત વિકાસને નિયમિત કરવા બાબતના વટહુકમ 2022ની કલમ 5 હેઠળની જોગવાઈઓનું ઉલ્લંઘન થયું છે. નિયમ મુજબ 30 સપ્ટેમ્બર 2022 સુધી પૂર્ણ થયેલા બાંધકામોને જ નિયમિત કરી શકાય છે.
આ કેસમાં 15 ઓક્ટોબર 2022ના રોજ થયેલી ઓનલાઇન અરજી ખોટી રીતે સ્વીકારી મંજૂરી અપાઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. અગાઉના ઇન્ચાર્જ ચીફ ઓફિસરે મંજૂરી ન આપી હોવા છતાં વર્તમાન અધિકારીઓએ આર્થિક લાભ લઈને પરવાનગી આપી હોવાનું પણ અરજીમાં ઉલ્લેખાયું છે.
ભાજપના સદસ્યો દ્વારા ચીફ ઓફિસર પર હોદ્દાનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચાર આચરવાના ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે. સમગ્ર મામલે કાયદેસરની તપાસ કરી જવાબદાર સામે ગુનો નોંધવાની માંગ પોલીસ સમક્ષ કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ