

રાજપીપલા,24 ફેબ્રુઆરી (હિ.સ.) નર્મદા જિલ્લામાં કૃષિ વિભાગ હેઠળના આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે ત્રણ ગ્રામ પંચાયતદીઠ ક્લસ્ટર આધારિત તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જિલ્લાનાં વિવિધ તાલુકાઓમાં યોજાયેલા આ તાલીમ કાર્યક્રમોમાં ખેડૂતોને રાસાયણમુક્ત ખેતી, ખર્ચ ઘટાડો અને જમીનની ઉર્વરતા વધારવાના વિવિધ પાસાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ગરુડેશ્વર તાલુકાની આમદલા ગ્રામ પંચાયત ખાતે સત કેવલ મંદિરે યોજાયેલી તાલીમમાં સીઆરપી રાજેન્દ્ર દેવેન્દ્રભાઈ તડવી તથા કૃષિ સખી તડવી ઇન્દિરા ભગવાને પ્રાકૃતિક કૃષિના મૂળ તત્વો, જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત, આછા આવરણ (મલ્ચિંગ) અને કુદરતી જીવાત નિયંત્રણ વિશે વિગતવાર સમજ આપી હતી. ખેડૂતોને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવાની પદ્ધતિઓ અંગે માર્ગદર્શન અપાયું હતું.
દેડિયાપાડા તાલુકાના ટીંબાપાડા ગામે નરપત ગોવાલભાઈના ખેતરે યોજાયેલી તાલીમમાં સીઆરપી ભારસીંગ વસાવા અને કૃષિ સખી રેમા વસાવાએ ખેડૂતોને જમીનની તંદુરસ્તી જાળવવા, સ્થાનિક જાતિના બીજોના સંવર્ધન તથા પશુપાલન આધારિત કૃષિ પ્રણાલીની માહિતી આપી હતી.
સોનગામ ગ્રામ પંચાયત ખાતે યોજાયેલી તાલીમમાં સીઆરપી તડવી પ્રવિણ અને કૃષિ સખી તડવી રેખાબેને પ્રાકૃતિક કૃષિના આયામો, રાસાયણિક ખાતર અને કીટનાશક દવાઓના દૂષણથી બચવાના ઉપાયો તથા આત્મનિર્ભર ખેતી મોડલ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
નાંદોદ તાલુકાના પોઈચા ગામે બાલુભાઈના ફાર્મ હાઉસ ખાતે યોજાયેલી તાલીમમાં સીઆરપી વસાવા મયૂર ગોપાલભાઈ અને કૃષિ સખી રોહિત હરીતા હસમુખભાઈએ પ્રાકૃતિક કૃષિના ચાર આધારસ્તંભ, દેશી ગાયના મહત્વ અને ખેડૂતોની આવક બમણી કરવા માટેના વ્યવહારુ ઉપાયો વિશે વિસ્તૃત સમજ આપી હતી.
આ તાલીમ કાર્યક્રમોમાં મોટા પ્રમાણમાં ખેડૂતો હાજર રહ્યા હતા અને પ્રાકૃતિક કૃષિ અપનાવી જમીનની ઉર્વરતા વધારવા તથા ઉત્પાદન ખર્ચ ઘટાડવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. જિલ્લા કૃષિ વિભાગ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ પ્રેરિત કરવા સતત માર્ગદર્શન અને સહાય પૂરી પાડવામાં આવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ