
અંબાજી, 25 ફેબ્રુઆરી (હિ.સ.) : શક્તિ પીઠ અંબાજી ખાતે આગામી હોળી અને ફાગણ પૂનમના તહેવારોને લઇ દર્શનન આરતી સમયમાં ફેરફાર કરવા માં આવ્યો છે. આગામી તા. 02/03/2026 સોમવાર (ફાગણ સુદ 14) ના રોજ હોળી પર્વ નિમિત્તે મંદિરમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ દિવસે સવારે 7.30 થી 8.00 કલાકે આરતી થશે અને ત્યારબાદ 8.00 થી 11.30 સુધી ભક્તો દર્શન કરી શકશે. બપોરે 12.00 કલાકે રાજભોગ ધરાવવામાં આવશે, જ્યારે સાંજે 6:30 કલાકે હોળી પ્રગટાવવામાં આવશે. અને હોળીપ્રગટાવ્યા બાદ સાંજની આરતી 7.30 થી 8.00 કલાકે થશે જ્યારેતા. 03/03/2026 મંગળવાર (ફાગણ સુદ પૂનમ) ના રોજ ચંદ્રગ્રહણ હોવાથી માતાજીના દર્શન અને આરતીના સમયમાં ખાસ ફેરફાર કરવામાં આવ્યો છે.
આ દિવસે સવારે વહેલા 6.00 થી 6.30 કલાકે આરતી અને 6.30 થી 7.30 સુધી દર્શનનો લાભ મળશે. સવારે 7.30 થી 8.00 કલાકે રાજભોગ ધરાવ્યા બાદ સવારના 8.00 વાગ્યાથી રાત્રિના 9.30 વાગ્યા સુધી મુખ્ય દર્શન બંધ રહેશે. જોકે, ભક્તોની સુવિધા માટે નૃત્ય મંડપમાંથી દર્શન સમય સવારે 9.45 થી બપોરે 2.00 કલાક સુધી કરી શકશે. ગ્રહણ બાદ સાંજની આરતી રાત્રે આશરે 9.30 કલાકે કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચંદ્રગ્રહણ અને હોળીના વિશેષ સમય બાદ તા. 4/03/2026, બુધવાર (ફાગણ વદ એકમ) થી માતાજીના દર્શન અને આરતી રાબેતા મુજબના સમયે કરવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ