
ભાવનગર, 25 ફેબ્રુઆરી (હિ.સ.)ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે આવેલ શેત્રુંજી ડેમમાંથી રવિ પાક માટે પાણી છોડવામાં આવ્યું છે. ડેમના ડાબા અને જમણા કાંઠાની કેનાલોમાં પાણી છોડતા જ ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ છે. શેત્રુંજી ડેમ ભાવનગર જિલ્લાના ખેડૂતો માટે જીવાદોરી સમાન ગણાય છે અને સિંચાઈ માટે મુખ્ય આધારરૂપ છે.આ વર્ષે સારા વરસાદને કારણે ડેમ અનેક વખત ઓવરફ્લો થયો હતો, જેના પરિણામે પાણીનો સારો જથ્થો સંગ્રહિત રહ્યો છે. હાલ રવિ સિઝનમાં ઘઉં, જીરૂ, ચણા, ડુંગળી સહિતના પાકનું વાવેતર થયેલ છે. આવા સમયમાં પિયત માટે પૂરતું પાણી મળવું ખેડૂતો માટે આશીર્વાદ સમાન સાબિત થયું છે.ડેમમાંથી પાણી છોડવાના નિર્ણયથી ખેડૂતોને પિયત માટે પાણીની તંગીનો સામનો કરવો નહીં પડે. ઉભા પાકને સમયસર પાણી મળતા ઉત્પાદન વધવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને નાના અને મધ્યમ ખેડૂતો માટે આ નિર્ણય ખૂબ લાભદાયી બની રહ્યો છે.કેનાલોમાં પાણી પહોંચતા ખેતરો સુધી સિંચાઈની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ખેડૂતોએ સરકાર અને સંબંધિત વિભાગનો આભાર વ્યક્ત કર્યો છે. રવિ પાકની સફળતા ખેડૂતોની આર્થિક સ્થિતિ મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.શેત્રુંજી ડેમમાંથી પાણી છોડવાની આ કામગીરીથી જિલ્લામાં કૃષિ ક્ષેત્રમાં નવી આશા જાગી છે અને આવનારા દિવસોમાં સારા ઉત્પાદનની શક્યતાઓ વધી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT