
પાટણ, 25 ફેબ્રુઆરી (હિ.સ.) : સિદ્ધપુરની શિલ્પ રેસીડેન્સીમાં કાર પાર્કિંગ મુદ્દે બે પરિવારો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને મારામારી થઈ હતી. મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચતા બંને પક્ષોએ એકબીજા સામે ફરિયાદ નોંધાવી છે. અપશબ્દો, ઝપાઝપી અને જાનથી મારી નાખવાની ધમકીના આક્ષેપો સાથે સિદ્ધપુર પોલીસે BNSની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કેસની તપાસ અ.હે.કો હરેશકુમાર રવતાજી કરી રહ્યા છે.
પ્રથમ ફરિયાદ જ્યોતિ મોદીએ નોંધાવી હતી. તેમના જણાવ્યા મુજબ લલિત પટેલે ઘર પાસે પાર્ક કરેલી ગાડી અંગે પ્રશ્ન કરતા બોલાચાલી શરૂ થઈ હતી. ગાડી ત્યાં જ રહેશે તેમ કહેતા લલિતભાઈ ઉશ્કેરાઈ અપશબ્દો બોલ્યા અને વચ્ચે પડેલા સાહેદને લાફો મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ દરમિયાન જ્યોતિબેનની ₹8,000ની કાંડા ઘડિયાળ તૂટી ગઈ હતી. સામા પક્ષે લલિત પટેલે વળતી ફરિયાદ નોંધાવી છે. તેમણે આક્ષેપ કર્યો કે તેઓ પોતાની ગાડી પાર્ક કરવા ગયા ત્યારે ભરત મોદીએ અપશબ્દો બોલ્યા હતા. ત્યારબાદ જ્યોતિ મોદી પણ ત્યાં આવી બંનેએ મળીને ગડદાપાટુનો માર માર્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ