
સુરત, 25 ફેબ્રુઆરી (હિ.સ.)-સુરત જિલ્લાના પલસાણા તાલુકાના તાંતીથૈયા ગામમાં મંગળવારે મોડી રાત્રે કચરાના ઢગલામાં આગ લાગવાની ઘટના સામે આવી છે. બાલાજી ફેશન નજીક આવેલા ખુલ્લા પ્લોટમાં રાત્રે આશરે 12:30 વાગ્યે આગ ભભૂકી ઉઠતા આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.
ઘટનાની જાણ થતાં જ PEPL પલસાણા એન્વાયરો પ્રોટેક્શન ફાયર ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ સાથે આવેલા સ્ટાફે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવા ઝડપી કામગીરી હાથ ધરી હતી.
પ્રાથમિક માહિતી મુજબ કચરામાં લાગેલી આગને કારણે મોટા પ્રમાણમાં ધુમાડો ફેલાયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી.
આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ ચાલુ છે. સ્થાનિક લોકો દ્વારા સમયસર ફાયર વિભાગને જાણ કરવામાં આવતા મોટી દુર્ઘટના ટળી હોવાનું માનવામાં આવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે