
અમરેલી, 25 ફેબ્રુઆરી (હિ.સ.) : અમરેલી જિલ્લામાં મિલકત સંબંધી વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા આરોપી રણજીત વાઘેલાને અમરેલી પોલીસ દ્વારા પાસા (PASA) અધિનિયમ હેઠળ કાર્યવાહી કરી પાલનપુર સેન્ટ્રલ જેલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ રણજીત વાઘેલા સામે ચોરી, ઘરફોડ ચોરી અને અન્ય મિલકત સંબંધિત ગુનાઓના અનેક કેસો નોંધાયેલા હતા અને તેની હરકતોને કારણે વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર પ્રતિકૂળ અસર થતી હતી.
અમરેલી જિલ્લા પોલીસ દ્વારા આરોપીની ગતિવિધિઓ પર સતત નજર રાખવામાં આવી રહી હતી. પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપી વારંવાર ગુનાઓ આચરીને લોકોમાં ભયનું વાતાવરણ ઊભું કરી રહ્યો હતો. જેના આધારે પોલીસ તંત્રએ કડક પગલા ભરી જિલ્લા કલેક્ટરને દરખાસ્ત મોકલી હતી.
જિલ્લા કલેક્ટર દ્વારા પાસા હેઠળ અટકાયતનો હુકમ જારી થતાં પોલીસે આરોપીને કસ્ટડીમાં લઈ જરૂરી કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી પાલનપુર જેલ ખાતે ખસેડ્યો હતો. આ કાર્યવાહીથી જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ પર નિયંત્રણ લાવવામાં મદદ મળશે તેમજ અસામાજિક તત્વોને કડક સંદેશો મળશે તેવી પોલીસ અધિકારીઓએ આશા વ્યક્ત કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai