
બોટાદ, 25 ફેબ્રુઆરી (હિ.સ.) : બોટાદ જિલ્લામાં આવેલ પવિત્ર ધામ શ્રી કષ્ટભંજન દેવ મંદિર સાળંગપુર ખાતે આગામી 27 ફેબ્રુઆરીથી 1 માર્ચ 2026 સુધી ત્રણ દિવસીય વેચાણ અને પ્રદર્શન મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં ધાર્મિક ભાવના સાથે સમાજજાગૃતિ અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવશે.મેળામાં વિવિધ સરકારી વિભાગો, સ્વયંસેવક સંસ્થાઓ અને સ્થાનિક ઉદ્યોગકારો દ્વારા સ્ટોલ ઉભા કરવામાં આવશે. ઉર્જા બચત, જળ સંરક્ષણ, સ્વચ્છતા અભિયાન અને પ્લાસ્ટિક મુક્ત જીવનશૈલી જેવા વિષયો પર આધારિત પ્રદર્શનો મુખ્ય આકર્ષણ રહેશે. મુલાકાતીઓને સોલાર ઉર્જાના ઉપયોગ, વરસાદી પાણી સંચય પદ્ધતિઓ અને દૈનિક જીવનમાં પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવા માટે માર્ગદર્શન આપવામાં આવશે.
આ ઉપરાંત સ્થાનિક હસ્તકલા, બનાવવામાં આવેલા વિવિધ ઉત્પાદનોનું પણ વેચાણ કરવામાં આવશે. ગ્રામિણ વિસ્તારોના ઉદ્યોગકારોને પ્રોત્સાહન આપવા માટે આ મેળો સારો પ્લેટફોર્મ સાબિત થશે.મંદિર ટ્રસ્ટ દ્વારા મેળામાં આવનારા ભક્તો અને મુલાકાતીઓ માટે સુવિધાઓનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. સુરક્ષા, પાર્કિંગ, પીવાના પાણી અને સ્વચ્છતા અંગે પૂરતી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ત્રિ-દિવસીય મેળો માત્ર ધાર્મિક કાર્યક્રમ પૂરતો મર્યાદિત ન રહી, પરંતુ પર્યાવરણ જાગૃતિ અને સ્થાનિક વિકાસ માટે એક મહત્વપૂર્ણ પહેલ બની રહેશે. મોટી સંખ્યામાં ભક્તો અને નાગરિકો મેળામાં હાજરી આપે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT