
સુરત, 25 ફેબ્રુઆરી (હિ.સ.): વલસાડ જિલ્લા પંચાયતની 36 બેઠકો માટે રાજ્ય ચૂંટણી આયોગે નવું સીમાંકન અને અનામતની પ્રાથમિક યાદી જાહેર કરી છે. 2011ની વસ્તી ગણતરીના આધારે થયેલા આ ફેરફારોને કારણે 2026ની ચૂંટણી પહેલાં જિલ્લાના રાજકીય સમીકરણોમાં મોટા બદલાવની શક્યતા વ્યક્ત થઈ રહી છે. નવા સીમાંકન મુજબ અનેક બેઠકોમાં ગામોની અદલા-બદલી કરવામાં આવી છે, જ્યારે અનામતના રોટેશનને કારણે પરંપરાગત ગઢોમાં પણ બદલાવ આવ્યો છે. જિલ્લામાં કુલ મતદારોની સંખ્યા આશરે 11.63 લાખથી વધુ નોંધાઈ છે.
બેઠકોનું વિતરણ SC, ST, SEBC તેમજ 50 ટકા મહિલા અનામતના ધોરણો મુજબ કરવામાં આવ્યું છે. અડધી બેઠકો મહિલા અનામત થતાં રાજકીય પક્ષો અને નેતાઓ હવે પોતાના પરિવારના સભ્યો અથવા નવા ચહેરાઓને આગળ લાવવાની તૈયારી કરી રહ્યા છે. પારડી અને કપરાડા જેવા આદિવાસી વિસ્તારોમાં ST અનામતના રોટેશનથી જૂના નેતાઓ માટે પડકાર ઉભો થયો છે. કેટલાક પરંપરાગત ગઢોમાં આવેલા ગામો હવે અન્ય બેઠકોમાં સામેલ થતા મતબેંકના સમીકરણોમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. આ પરિસ્થિતિ યુવા અને સ્થાનિક નેતાઓ માટે નવી તક લઈને આવી છે.
વલસાડ તાલુકાની ડુંગરી બેઠક હવે મહિલા અનામત હેઠળ આવતા નવા મહિલા ઉમેદવારોની શોધ તેજ બની છે. બીજી તરફ વાપી અને ઉદવાડા વિસ્તારમાં વધતી વસ્તીને ધ્યાનમાં રાખીને ગામોની નવી ગોઠવણી કરવામાં આવી છે, જેના કારણે ઔદ્યોગિક અને અર્ધ-શહેરી વિસ્તારોમાં રાજકીય ગણિત ફરી ગોઠવાઈ રહ્યું છે. ઉમરગામ તાલુકાની કેટલીક બેઠકોમાં OBC મહિલા અનામત લાગુ થતા સ્થાનિક સ્તરે નવી સ્પર્ધા ઉભી થઈ છે. અગાઉ સામાન્ય રહેલી બેઠકો હવે અનામત બનતા ઘણા નેતાઓ માટે પોતાની રાજકીય પકડ જાળવવાનો પડકાર ઉભો થયો છે.
સીમાંકનમાં ગામડાંઓની અદલા-બદલીને કારણે કેટલાક કાર્યકરોમાં અસંતોષ ફેલાવાની શક્યતા પણ વ્યક્ત થઈ રહી છે. પ્રાથમિક યાદી સામે આગામી સાત દિવસમાં વાંધા રજૂ કરવાની તક આપવામાં આવી છે, ત્યારબાદ આખરી સીમાંકન જાહેર થશે. નવા સીમાંકન પછી ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ બેઠકો યોજી ઉમેદવારોની પસંદગી અંગે ચર્ચા શરૂ કરી છે. બદલાયેલા ભૂગોળ અને અનામતના નવા સમીકરણો વચ્ચે 2026ની જિલ્લા પંચાયત ચૂંટણી વધુ રસપ્રદ અને સ્પર્ધાત્મક બનવાની શક્યતા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે