
- હાઈ-ટેક ટેકનોલોજીના માધ્યમથી કરવામાં આવશે સ્પર્ધાનું જીવંત પ્રસારણ
ગાંધીનગર,25 ફેબ્રુઆરી (હિ.સ.) વિધાનસભા ગૃહમાં 'ગુજરાત આરોહણ-અવરોહણ સ્પર્ધા' વિશે વિગતો આપતા રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના રાજ્ય મંત્રી ડૉ. જયરામ ગામીતે જણાવ્યું હતું કે, આ સ્પર્ધામાં ભાગ લેનારા તમામ ખેલાડીઓની સુરક્ષાને ધ્યાને રાખીને વીમા નિયામકની કચેરી મારફત દરેક સ્પર્ધકનો વીમો ઉતારવામાં આવે છે. જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે અંદાજે 7.80 લાખનું પ્રીમિયમ ભરવામાં આવે છે.
સ્પર્ધા દરમિયાન પૂર્ણ ઇજા કે જાનહાનિના કિસ્સામાં સ્પર્ધકને 4 લાખ અને આંશિક ઈજાના કિસ્સામાં 2 લાખની સહાય આપવામાં આવે છે.
મંત્રીએ વધુમાં જણાવ્યું હતુંકે, રાજ્યના 14 થી 35 વર્ષની વયના યુવક-યુવતીઓમાં સાહસિકતાના ગુણો વિકસે તે હેતુથી દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા 'આરોહણ-અવરોહણ' સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. આ સ્પર્ધાના લાઈવ પ્રસારણ માટે હાઈ-ટેક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં સ્પર્ધાની પારદર્શિતા માટે લાઈવ કેમેરા અને હાઈ-ડેફિનેશન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે.
આ ઉપરાંત યુ ટ્યુબ અને ટીવી ચેનલો દ્વારા આ સ્પર્ધાનું જીવંત પ્રસારણ કરવામાં આવે છે, જેથી લાખો નાગરિકો યુવાનોના આ સાહસને નિહાળી શકે.
મંત્રીએ કહ્યું હતું કે, માત્ર ગુજરાત જ નહીં પરંતુ અન્ય રાજ્યોના યુવાનો પણ આ સ્પર્ધામાં સહભાગી થાય તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. આગામી વર્ષ 2030માં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સના આયોજનને ધ્યાને રાખીને આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે. તાજેતરમાં અંબાજી ખાતે યોજાયેલ સ્પર્ધામાં પણ સમગ્ર દેશભરમાંથી ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો,
તેમ તેમણે ઉમેર્યું હતું.
મેડિકલ સુવિધાઓ વિશે મંત્રીએ જણાવ્યું હતું કે, સમગ્ર સ્પર્ધા દરમિયાન સારવારના સાધનો સાથેની મેડિકલ ટીમ કાર્યરત રાખવામાં આવે છે. વધુમાં પર્વત પર દર 200 પગથિયે એક વ્યાયામ શિક્ષક પણ ખડેપગે તૈયાર રાખવામાં આવે છે. આ ઉપરાંત દરેક સ્પર્ધકને પૌષ્ટિક ભોજન અને નિર્ધારિત સમયમાં સ્પર્ધા પૂર્ણ કરનારને પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવે છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
વધુમાં, તેમણે કહ્યું હતું કે, આ સ્પર્ધા અંતર્ગત ઓસમ પર્વત(રાજકોટ), ચોટીલા પર્વત(સુરેન્દ્રનગર), ઈડરીયો પર્વત(સાબરકાંઠા), પાવાગાઢ પર્વત (પંચમહાલ), પારનેરા પર્વત (વલસાડ) ખાતે વર્ષ 2024-25માં 918 ભાઈઓ, 508 બહેનો સહિત કુલ 1426 તેમજ વર્ષ 2025-26માં 1033 ભાઈઓ, 564 બહેનો સહિત કુલ 1597 સ્પર્ધકોએ ભાગ લીધો છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ