
વડોદરા, 25 ફેબ્રુઆરી (હિ.સ.) : ગુજરાત રાજ્યમાં હાલ વસંતના આગમન પૂર્વે શિયાળાની વિદાય અને ઉનાળાના પગરવ વચ્ચે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં વહેલી સવારે ગુલાબી ઠંડી અને બપોરે પડતા આકરા તાપને કારણે શરીરના મેટાબોલિઝમ એટલે કે ચયાપચયની પ્રક્રિયા પર સીધી અસર જોવા મળે છે.
આ ઋતુ પરિવર્તનની પ્રક્રિયા દરમિયાન શરીરના તાપમાનમાં સતત ફેરફાર અનુભવાય છે. આ પરિસ્થિતિમાં જો જીવનશૈલી અને આહાર અંગે યોગ્ય કાળજી ન રાખવામાં આવે તો મેદસ્વિતા (સ્થૂળતા) જેવી સમસ્યાનો ભોગ બનવાની શક્યતા વધે છે, ત્યારે આ વિશેષ લેખ વડોદરાવાસીઓ સહિત ગુજરાતીઓ માટે મિશ્ર ઋતુમાં આરોગ્ય જાળવવા અને સ્થૂળતા ટાળવા અંગે માર્ગદર્શનરૂપ છે.
મિશ્ર ઋતુમાં શરીરની પાચનક્રિયા, હોર્મોનલ સંતુલન અને ઊર્જા વપરાશની પ્રક્રિયામાં ફેરફાર જોવા મળે છે.
સવારે અને રાત્રે ઠંડક હોવાથી લોકો વધુ ખોરાક લેવાની વૃત્તિ તરફ વળે છે, જ્યારે બપોરની ગરમીમાં શારીરિક સક્રિયતા ઓછી રહે છે. પરિણામે શરીરમાં ચરબી સંગ્રહ થવાની પ્રક્રિયા તેજ બને છે. જેના કારણે ભૂખમાં ફેરફાર થવો અને શારીરિક શિથિલતા વધવી સ્વાભાવિક છે, જે લાંબા ગાળે મેદસ્વિતા એટલે કે સ્થૂળતાના શિકાર બનવાનું મુખ્ય કારણ બની શકે છે.
સ્થૂળતાથી બચવા માટે સૌથી મહત્વનું પાસું આહાર અને વિહારમાં સંયમ જાળવવો તે છે. મિશ્ર ઋતુમાં પાચનતંત્ર ક્યારેક મંદ પડતું હોય છે, જેના કારણે બહારનો તળેલો ખોરાક કે વધુ પડતું ગળપણ મેદસ્વિતા વધારવામાં ઉદ્દીપકનું કામ કરે છે. નાગરિકોએ આ સમયે 'ઋતુભુક' અને 'મિતભુક'ના સિદ્ધાંતને અનુસરીને મોસમી ફળો અને શાકભાજીનો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ. બપોરના સમયે તાપ વધુ હોવાથી શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે માટે પૂરતા પ્રમાણમાં પ્રવાહી લેવું જોઈએ, પરંતુ ઠંડા પીણાં કે આઈસ્ક્રીમને બદલે કુદરતી પીણાં જેવા કે છાશ અથવા લીંબુ પાણીનો આગ્રહ રાખવો હિતાવહ છે. ખોરાકમાં પ્રોટીનયુક્ત કઠોળ અને ફાઈબરયુક્ત અનાજનો સમાવેશ કરવાથી લાંબા સમય સુધી તૃપ્તિનો અહેસાસ થાય છે અને બિનજરૂરી કેલરી લેવાથી બચી શકાય છે.
રમતનગરી વડોદરાના નાગરિકો સ્વાસ્થ્ય પ્રત્યે હંમેશા સજાગ રહ્યા છે, ત્યારે આ મિશ્ર ઋતુમાં નિયમિત વ્યાયામનું મહત્વ વધી જાય છે. ઠંડીના કારણે ઘણીવાર વહેલી સવારે ચાલવા જવાનું કે કસરત કરવાનું ટાળવામાં આવે છે, જે વજન વધવા માટે જવાબદાર બને છે. જો વહેલી સવારે બહાર જવું અનુકૂળ ન હોય, તો ઘરમાં જ યોગાભ્યાસ, પ્રાણાયામ કે સૂર્યનમસ્કાર જેવી પ્રવૃત્તિઓ કરવી જોઈએ. શારીરિક સક્રિયતા માત્ર કેલરી બાળવામાં જ નહીં, પરંતુ શરીરમાં રુધિરાભિસરણ સુધારવામાં અને માનસિક તાણ ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે. દિવસ દરમિયાન સતત બેસી રહેવાને બદલે સમયાંતરે હળવી હલનચલન રાખવાથી મેદસ્વિતાના જોખમને નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે.
આ ઉપરાંત, મિશ્ર ઋતુમાં પૂરતી ઊંઘ અને યોગ્ય દિનચર્યા પણ વજન નિયંત્રણમાં ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. અનિયમિત ઊંઘથી હોર્મોનલ અસંતુલન સર્જાય છે, જે ભૂખને ઉત્તેજિત કરે છે અને વ્યક્તિ વધુ પડતો ખોરાક લેવા પ્રેરાય છે. તંદુરસ્ત જીવનશૈલી અપનાવીને અને નાના-નાના ફેરફારો દ્વારા નાગરિકો આ બદલાતી ઋતુમાં પણ પોતાની ફિટનેસ જાળવી શકે છે.
મિશ્ર ઋતુ કુદરતી પરિવર્તનનો એક ભાગ છે. જો આપણે આ ઋતુમાં આહાર, વ્યાયામ, ઊંઘ અને માનસિક સ્વાસ્થ્ય અંગે સજાગ રહીને નિયમિતતા જાળવીએ તો મેદસ્વિતા જેવી સમસ્યાથી સરળતાથી બચી શકીએ છીએ, કારણ કે સ્થૂળતા એ માત્ર દેખાવને લગતો પ્રશ્ન નથી; તે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હૃદયરોગ અને સંધિદર્દ જેવી ગંભીર બિમારીઓનું કારણ બની શકે છે. પરંતુ, મિશ્ર ઋતુમાં જો યોગ્ય જીવનશૈલી અપનાવવામાં આવે તો આવા જોખમોથી બચી શકાય છે.
રાજ્ય અને જિલ્લા સ્તરે આરોગ્ય વિભાગ દ્વારા લોકોમાં તંદુરસ્ત જીવનશૈલી અંગે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. જનસહભાગિતાથી ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલું મહત્વપૂર્ણ અભિયાન “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત નું સ્વપ્ન સાકાર થઈ શકે છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ