વડોદરા યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર ખાતે સફળ ભરતીમેળો યોજાયો
- મુંબઈ, જામનગર અને વડોદરાની નામાંકિત કંપનીઓ દ્વારા 100 થી વધુ જગ્યાઓ માટે ઇન્ટરવ્યુ પ્રક્રિયા હાથ ધરાઈ,37 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી વડોદરા, 25 ફેબ્રુઆરી (હિ.સ.) વડોદરાના આશાસ્પદ યુવાનોને પગભર કરવાના ઉમદા હેતુ સાથે, યુનિવર્સિટી રોજગાર માહિત
વડોદરા યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર ખાતે સફળ ભરતીમેળો યોજાયો


વડોદરા યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર ખાતે સફળ ભરતીમેળો યોજાયો


- મુંબઈ, જામનગર અને વડોદરાની નામાંકિત કંપનીઓ દ્વારા 100 થી વધુ જગ્યાઓ માટે ઇન્ટરવ્યુ પ્રક્રિયા હાથ ધરાઈ,37 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી

વડોદરા, 25 ફેબ્રુઆરી (હિ.સ.) વડોદરાના આશાસ્પદ યુવાનોને પગભર કરવાના ઉમદા હેતુ સાથે, યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર (યુ.ઈ.બી.) દ્વારા આજે રોજગાર અને એપ્રેન્ટિસ ભરતીમેળાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કમાટીબાગ સામે આવેલા યુનિવર્સિટી ગેસ્ટ હાઉસની બાજુમાં સ્થિત યુ.ઈ.બી. કચેરી ખાતે યોજાયેલા આ મેળામાં વડોદરા સહિત આસપાસના વિસ્તારના અંદાજે 100 જેટલા ઉત્સાહી મહિલા અને પુરુષ ઉમેદવારોએ ભાગ લઈ પોતાની કારકિર્દીના નવા સોપાન સર કરવા માટેની તત્પરતા દર્શાવી હતી.

આ ભરતી મેળામાં મુંબઈ, જામનગર અને વડોદરાની ત્રણ પ્રતિષ્ઠિત કંપનીઓએ સહભાગી થઈને પ્લાન્ટ ઓપરેશન એન્ડ મેઈન્ટેન્સ, ક્વોલિટી, યુટિલિટી, પ્રોડક્શન પ્લાનિંગ, વેરહાઉસ મેનેજમેન્ટ, સેફ્ટી - સાઈટ સુપરવાઈઝર અને એચ.આર. ટેલેન્ટ એક્વિઝિશન જેવી ટેકનિકલ અને નોન-ટેકનિકલ 100 થી વધુ જગ્યાઓ માટે પસંદગી પ્રક્રિયા હાથ ધરી હતી. બી.ઈ., બી.ટેક., ડિપ્લોમા તેમજ એમ.કોમ અને એમ.બી.એ. તથા ગ્રેજ્યુએટ જેવી ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા અનુભવી અને બિન-અનુભવી ઉમેદવારોએ આ તકનો લાભ લીધો હતો.

પ્રારંભિક ઇન્ટરવ્યુ પ્રક્રિયાના અંતે 37 જેટલા તેજસ્વી ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી છે. ફાઈનલ ટેકનિકલ અને એચ.આર. રાઉન્ડ સફળતાપૂર્વક પૂર્ણ કરનાર ઉમેદવારોને વાર્ષિક 2.4 લાખથી લઈને 8 લાખ સુધીના આકર્ષક પગાર ધોરણની ઓફર આપવામાં આવી છે. આ ઉપરાંત, 10 ઉમેદવારોની એપ્રેન્ટિસ તરીકે અને 6 ઉમેદવારોની 'બીઓબી બિઝનેસ કોરેસ્પોન્ડન્ટ' તરીકે પસંદગી કરી તેમને રોજગારીના દ્વાર ખોલી આપવામાં આવ્યા છે. રોજગારવાંચ્છુ 21 જેટલા યુવાનોએ 'અનુબંધમ' પોર્ટલ પર નોંધણી કરાવી આધુનિક ટેકનોલોજીના માધ્યમથી રોજગારી મેળવવાની દિશામાં કદમ માંડ્યા છે.

યુવાનોને માત્ર નોકરી જ નહીં, પણ ઉજ્જવળ ભવિષ્ય માટેનું માર્ગદર્શન આપતા યુ.ઈ.બી.ના નાયબ વડા અલ્પેશ ચૌહાણ અને માનદ વડા શીતલ સિનખેડેએ ઉમેદવારો સાથે સંવાદ સાધ્યો હતો.

કચેરીના ઓવરસીઝ કાઉન્સેલર દ્વારા વિદેશમાં શિક્ષણ અને સુરક્ષિત-કાયદેસર સ્થળાંતર (સેફ એન્ડ લીગલ માઈગ્રેશન) અંગે ઊંડાણપૂર્વક સમજણ પૂરી પાડવામાં આવી હતી. સાથે જ, સ્વ-રોજગાર માટેની લોન સહાય, સ્ટાર્ટ-અપની તકો, વોકેશનલ ટ્રેનિંગ અને એન્ટરપ્રેન્યોર ડેવલપમેન્ટના વિષયો પર માર્ગદર્શન આપી યુવાનોમાં આત્મવિશ્વાસનો સંચાર કરવામાં આવ્યો હતો.

યુવાનો ડિજિટલ પ્લેટફોર્મનો મહત્તમ ઉપયોગ કરી શકે તે માટે 'અનુબંધમ' અને 'એન.સી.એસ.' પોર્ટલના ફાયદાઓ વિશે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande