
- બાલિકાઓના સશક્તિકરણ દ્વારા સામાજિક પરિવર્તન લાવવાનો નવતર અભિગમ
સુરેન્દ્રનગર,25 ફેબ્રુઆરી (હિ.સ.) ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ હસ્તક કાર્યરત ‘બેટી બચાવો બેટી પઢાવો’ અને ‘પૂર્ણા યોજના’ હેઠળ બાલિકાઓમાં નેતૃત્વના ગુણો વિકસે, તેમનું સશક્તિકરણ થાય અને તેઓ વિકાસના મુખ્ય પ્રવાહમાં જોડાય તે હેતુથી ‘બાલિકા પંચાયત’ જેવી નવતર પહેલ અમલી બનાવવામાં આવી છે.
આ અભિગમને વેગ આપવા માટે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, સુરેન્દ્રનગર દ્વારા તાજેતરમાં 19 થી 21 ફેબ્રુઆરી દરમિયાન લાયન્સ ક્લબ રોટરી હોલ ખાતે ‘બાલિકા પંચાયત મોડ્યુલ’ માટે પ્રશિક્ષકોની ત્રણ દિવસીય તાલીમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ તાલીમ કાર્યક્રમનો શુભારંભ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જિજ્ઞા પંડ્યા અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. બી.જી.ગોહિલના હસ્તે કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા મહિલા અને બાળ અધિકારી વી. એસ. શાહ તથા દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારી એન. એચ. સોઢાએ પ્રાસંગિક ઉદબોધન આપી બાલિકાઓના સર્વાંગી વિકાસ અને સામાજિક પરિવર્તનમાં આ યોજનાની મહત્વની ભૂમિકા અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
તાલીમના પ્રથમ દિવસે તાલીમાર્થીઓએ સ્વ-પરિચય દ્વારા પોતાના અનુભવો અને અપેક્ષાઓ રજૂ કરી હતી.
ત્યારબાદ બાલિકા પંચાયતનો પરિચય, તેના ઉદ્દેશ્યો અને તેની રચનાની પ્રક્રિયા વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. કિશોરાવસ્થાના તબક્કાઓ, તેમાં આવતા પડકારો, ચિંતાઓ અને આકાંક્ષાઓ તેમજ જીવન કૌશલ્યના મહત્વ પર ગ્રુપ ચર્ચા અને વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. બીજા દિવસે જેન્ડર (સામાજિક લિંગ) આધારિત ભેદભાવો અને તેની કિશોરીઓ પર થતી અસરો અંગે વક્તાઓ દ્વારા સમજ અપાઈ હતી, જેમાં સમાજમાં સ્ત્રી-પુરુષ પ્રત્યે રાખવામાં આવતી અપેક્ષાઓ વિશે જૂથ ચર્ચા કરવામાં આવી હતી.
તાલીમના અંતિમ દિવસે ‘બાલિકા પંચાયત તાલીમ મોડ્યુલ’ મુજબના મહત્વના વિષયો જેવા કે બાળ અધિકાર, બાલિકા સુરક્ષા કાયદાઓ, પંચાયતી રાજ, કિશોરાવસ્થાના શારીરિક ફેરફારો, પોષણ અને સ્વાસ્થ્ય,
માનસિક સ્વાસ્થ્ય, વ્યવસાયિક કૌશલ્ય વર્ધન અને વ્યસન મુક્તિ જેવા વિષયો પર મૉક-સેશન યોજાયા હતા. સમગ્ર કાર્યક્રમના અંતે જિલ્લા મિશન કોર્ડિનેટર જલ્પાબેન ચંદેશરા દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.
આ તાલીમને સફળ બનાવવા માટે DHEW (District Hub for Empowerment of Women)ની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. આ તાલીમ કાર્યક્રમમાં આઈ.સી.ડી.એસ.નાં મુખ્ય સેવિકા બહેનો અને ફીમેલ હેલ્થ સુપરવાઈઝર બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ