
અમરેલી,17 માર્ચ (હિ.સ.) અમરેલી જિલ્લામાં ગઈ રાત્રે મધરાતે અચાનક ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. રાત્રે લગભગ 12:17 મિનિટે આવેલા આ આંચકાએ ગ્રામ્ય પંથકોમાં હલચલ મચાવી દીધી હતી. ખાસ કરીને ભાડ, ઇંગોરાળા, નાના વિસાવદર તેમજ આસપાસના વિસ્તારોમાં લોકોને સ્પષ્ટ રીતે ઝટકો અનુભવાયો હતો.
પ્રાથમિક માહિતી અનુસાર આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2 જેટલી નોંધાઈ છે, જેના કારણે મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાની કોઈ માહિતી સામે આવી નથી. જોકે અચાનક આંચકો અનુભવાતા લોકો ઊંઘમાંથી જાગી બહાર દોડી આવ્યા હતા.
ભૂકંપનું કેન્દ્રબિંદુ અમરેલીથી અંદાજે 44 કિલોમીટર દૂર નોંધાયું હોવાનું જાણવા મળે છે. સ્થાનિક તંત્ર દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિ માટે તૈયારી રાખવામાં આવી છે.
ભૂકંપનો આંચકો હળવો હોવા છતાં લોકોમાં થોડો ભય જોવા મળ્યો હતો. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર નાના આંચકા સામાન્ય હોય છે, પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે. હાલમાં કોઈ જાનહાનિ અથવા મોટું નુકસાન થયાની માહિતી પ્રાપ્ત થઈ નથી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai