ઉના દલિત કાંડ: વેરાવળ કોર્ટે 10 વર્ષ બાદ એટ્રોસિટી એક્ટ હેઠળ પાંચેય દોષિતને 5 વર્ષની સજા
વેરાવળ,17 માર્ચ (હિ.સ.) ઉનાના સમઢીયાળા દલિત કાંડ મામલે વેરાવળ કોર્ટે 10 વર્ષ બાદ એટ્રોસિટી એક્ટ હેઠળ પાંચ દોષિતને 5 વર્ષની સજા સંભળાવી છે. એટ્રોસિટી એક્ટની કલમ મુજબ 5 વર્ષની સજા ફટકારવામાં આવી છે. નોંધનીય છે કે, દલિત યુવાનો પર અમાનવીય અત્યાચા
ઉના દલિત કાંડ વેરાવળ કોર્ટે 10 વર્ષ બાદ એટ્રોસિટી એક્ટ હેઠળ પાંચેય દોષિતને 5 વર્ષની સજા


વેરાવળ,17 માર્ચ (હિ.સ.) ઉનાના સમઢીયાળા દલિત કાંડ મામલે વેરાવળ કોર્ટે 10 વર્ષ બાદ એટ્રોસિટી એક્ટ હેઠળ પાંચ દોષિતને 5 વર્ષની સજા સંભળાવી છે. એટ્રોસિટી એક્ટની કલમ મુજબ 5 વર્ષની સજા ફટકારવામાં આવી છે.

નોંધનીય છે કે, દલિત યુવાનો પર અમાનવીય અત્યાચાર ગુજાર્યો હતો. જે મામલે 5 આરોપીઓને કોર્ટે જાહેર દોષિત કર્યા છે અને સજા સંભળાવવામાં આવી છે. જ્યારે 37 આરોપીઓ પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરાયા છે.

સોમનાથ જિલ્લાના મોટા સમઢિયાળા ગામે વર્ષ 2016માં દલિત યુવાનોને ગાયનું ચામડું ઉતારવા બાબતે જાહેરમાં અર્ધનગ્ન કરી બેરહેમીથી માર મારવાના ચકચારી 'ઉના કાંડ'માં 10 વર્ષ બાદ ન્યાયનો ચુકાદો (આશરે 340 પેજ) આવ્યો છે.

વેરાવળ સેશન્સ કોર્ટે આ કેસના મુખ્ય 5 આરોપી રમેશ જાદવ, રાકેશ જોશી, પ્રમોદ ગૌસ્વામી, નાગજી ડાયા અને બળવંત ગૌસ્વામીને પૂર્વનિયોજિત હુમલો અને અત્યાચાર ગુજારવા બદલ દોષિત ઠેરવ્યા છે, ત્યારે વેરાવળ સેશન્સ જજ પંડ્યા દ્વારા ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે. અદાલતના આદેશ મુજબ આ તમામ સજાઓ એકીસાથે (Concurrent) ભોગવવાની રહેશે, એટલે કે, મહત્તમ 5 વર્ષની સજા લાગુ પડશે. આ કેસના આરોપીઓ અગાઉ જ 6 વર્ષથી વધુ સમય જેલમાં વિતાવી ચૂક્યા હોવાથી, કોર્ટે ફટકારેલી 5 વર્ષની સજાની અવધિ પહેલેથી જ પૂર્ણ થઈ ગઈ છે. આથી, તેઓની જેલમુક્તિનો માર્ગ મોકળો થયો છે.

સોમનાથ જિલ્લાના બહુચર્ચિત ઉના કાંડ મામલે વેરાવળ સ્થિત સેશન્સ કોર્ટ દ્વારા આજે મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવવામાં આવ્યો છે. આ કેસમાં સેશન્સ જજ પંડ્યાએ પાંચેય દોષિતોને વિવિધ કલમો હેઠળ સજા ફટકારી છે, જેને લઇ સમગ્ર જિલ્લામાં ચર્ચાનો માહોલ ગરમાયો છે.

કોર્ટ દ્વારા આપવામાં આવેલી સજા મુજબ, એટ્રોસિટી એક્ટ હેઠળ તમામ આરોપીઓને 5 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. સાથે જ IPC કલમ 523 અને 524 હેઠળ 3 વર્ષની સજા તથા IPC કલમ 342 અને 504 હેઠળ 2 વર્ષની સજા ફટકારવામાં આવી છે. ઉપરાંત, દરેક આરોપીને રૂપિયા 5,000નો દંડ પણ ફટકારાયો છે.

કોર્ટના આદેશ મુજબ, તમામ સજાઓ એકસાથે (concurrent) ભોગવવાની ગણાશે. મહત્વપૂર્ણ બાબત એ છે કે, આ કેસના તમામ આરોપીઓ છેલ્લા 6 વર્ષથી વધુ સમયથી જેલવાસ ભોગવી રહ્યા છે. જેથી કોર્ટના આ નિર્ણયને અનુસંધાને તેઓએ પહેલેથી જ સજાનો સમયગાળો પૂર્ણ કરી દીધો હોય તેવું માનવામાં આવી રહ્યું છે.

આ પરિસ્થિતિમાં, કાનૂની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમામ દોષિતોને જેલમાંથી મુક્ત થવાનો માર્ગ પણ ખુલ્લો બન્યો છે. આ ચુકાદાને લઈને પીડિત પક્ષમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે, જ્યારે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્ર દ્વારા કોર્ટ પરિસર સહિત સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

ઉના કાંડનો આ કેસ રાજ્યભરમાં ભારે ચર્ચાનો વિષય રહ્યો હતો અને આજે આવેલા આ ચુકાદાએ એક મહત્વપૂર્ણ કાનૂની અધ્યાયને પૂર્ણતા તરફ દોરી દીધો છે.

ઉના કાંડના ચુકાદા મુદ્દે જિજ્ઞેશ મેવાણી બપોરે 3 વાગે પાલનપુરમાં પ્રેસ કોન્ફરન્સ કરશે

વડગામના ધારાસભ્ય અને કોંગ્રેસ પક્ષના કાર્યકારી પ્રમુખ જિજ્ઞેશ મેવાણી દ્વારા ઉના કાંડમાં ફક્ત 5 આરોપીને સજા અને બાકીના 37ને છોડી મૂકવાના મામલે આજે પાલનપુર સર્કિટ હાઉસ ખાતે બપોરે 3:00 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવશે.

11 જુલાઈ 2016ના રોજ મોટા સમઢીયાળા ગામના એક અનુસૂચિત જાતિ પરિવારના સાત સભ્યો મૃત પશુનું ચામડું ઉતારી રહ્યા હતા. આ દરમિયાન ગૌરક્ષક હોવાનો દાવો કરનારા કેટલાક શખસે આવીને આરોપ લગાવ્યો કે આ મૃત પશુ ગાય છે અને ગૌહત્યાનો પાયાવિહોણો આરોપ લગાવી પરિવાર પર હુમલો કર્યો હતો. પીડિતોને ગાડી સાથે બાંધી લાકડીઓ અને લોખંડના પાઈપથી બેરહેમીપૂર્વક માર મારવામાં આવ્યો હતો. આટલેથી ન અટકતાં ચાર યુવકને ઉના શહેરમાં લાવી જાહેરમાં અર્ધનગ્ન કરી ફટકારવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં અનુસૂચિત જાતિ સમુદાયમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

11 જુલાઈ 2016ની ઘટનામાં ગાડીની પાછળ બાંધીને અનુસૂચિત જાતિના યુવકોને માર મરાયો હતો. આ વીડિયો વારઈલ થયા બાદ રાષ્ટ્રીય સ્તરે ચર્ચા જાગી હતી.

વીડિયો વાઈરલ થયા બાદ અમદાવાદ, રાજકોટ અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં હિંસક વિરોધ પ્રદર્શનો થયા હતા. દલિત નેતા જીજ્ઞેશ મેવાણીના નેતૃત્વમાં અમદાવાદથી ઉના સુધીની 'દલિત અસ્મિતા યાત્રા' યોજાઈ હતી. 15 ઓગસ્ટ 2016ના રોજ ઉના ખાતે હજારોની સંખ્યામાં દલિતો ઉમટી પડ્યા હતા અને પરંપરાગત સફાઈ તથા મરેલા પશુઓના નિકાલના કામનો ત્યાગ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande