
અમરેલી,17 માર્ચ (હિ.સ.) આગામી વિશ્વ ક્ષય દિવસની ઉજવણીના ભાગરૂપે અમરેલી તાલુકાના AAM લાલવાદર ગામે આરોગ્ય જાગૃતિ માટે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ અવસરે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા રેલીનું આયોજન કરી ગામમાં ક્ષયરોગ (ટીબી) અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી.
રેલી દરમિયાન વિદ્યાર્થીઓએ “ક્ષયરોગ સારવારયોગ્ય છે”, “સમયસર સારવાર લો અને સ્વસ્થ રહો” જેવા સુત્રોચ્ચાર સાથે લોકોમાં સંદેશ પહોંચાડ્યો હતો. તેઓએ ગામના મુખ્ય માર્ગો પર ફરીને ક્ષયરોગના લક્ષણો, સારવાર અને બચાવ અંગે માહિતી આપી હતી. સાથે સાથે લોકોને નિઃશુલ્ક તપાસ અને સરકારી આરોગ્ય સેવાઓનો લાભ લેવા પ્રેરણા આપી હતી.
વિદ્યાર્થીઓએ સમજાવ્યું કે ક્ષયરોગ સંપૂર્ણપણે સારવારયોગ્ય છે, પરંતુ સમયસર તપાસ અને દવાઓનું નિયમિત સેવન જરૂરી છે. યોગ્ય જાગૃતિ અને સાવચેતીથી આ રોગને નિયંત્રિત કરી શકાય છે.
આ કાર્યક્રમથી લાલવાદર ગામમાં આરોગ્ય પ્રત્યે સજાગતા વધતી જોવા મળી હતી. સ્થાનિક લોકો અને આરોગ્ય કર્મચારીઓએ વિદ્યાર્થીઓના પ્રયાસોની પ્રશંસા કરી હતી અને આવા કાર્યક્રમો વધુ યોજવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai