
અમરેલી,7 માર્ચ (હિ.સ.) અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરના ગઢ વિસ્તારની રાંગ વાળી શેરીમાં આજે સવારથી જ પાણીની મુખ્ય પાઇપલાઇન તૂટી જતાં ભારે પાણીનો વેડફાટ જોવા મળ્યો હતો. પાઇપલાઇન તૂટતાં જ મોટા પ્રમાણમાં પાણી રસ્તા પર વહી ગયું હતું અને શેરીમાં જાણે નાની નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.
ઉનાળાની કડકડતી ગરમી વચ્ચે એક તરફ લોકો પાણી માટે તરસે છે, ત્યારે બીજી તરફ આ રીતે પાણીનો વેડફાટ થવો સ્થાનિકોમાં રોષ પેદા કરી રહ્યો છે. રહેવાસીઓએ જણાવ્યું કે સવારથી જ પાણી સતત વહી રહ્યું છે, છતાં હજુ સુધી સંબંધિત તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી.
આ ઘટનાને કારણે રસ્તા પર કાદવ અને પાણી ભરાઈ જતા વાહનચાલકો અને સ્થાનિકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો તંત્રને વારંવાર જાણ કરવા છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે.
સ્થાનિકોએ તંત્રને તાત્કાલિક કાર્યવાહી કરી પાઇપલાઇન મરામત કરી પાણીનો વેડફાટ રોકવા માંગ કરી છે, જેથી કિંમતી પાણી બચાવી શકાય અને નાગરિકોને રાહત મળે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai