
મહેસાણા, 17 માર્ચ (હિ.સ.) જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વસ્તી ગણતરી-2027 અંતર્ગત ફિલ્ડ ટ્રેનરો માટે ત્રિદિવસીય તાલીમ કાર્યક્રમનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. આ તાલીમ કાર્યક્રમનો મુખ્ય હેતુ વસ્તી ગણતરીની પ્રક્રિયાને સુચારૂ અને ચોક્કસ રીતે અમલમાં મૂકવાનો છે.
કાર્યક્રમ દરમિયાન માસ્ટર ટ્રેનરો દ્વારા ફિલ્ડ ટ્રેનરોને વસ્તી ગણતરીની વિવિધ તબક્કાઓ અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમાં ડેટા સંગ્રહની પદ્ધતિ, ઘરોની મુલાકાત લેવાની રીત, જરૂરી માહિતી એકત્રિત કરવાની પ્રક્રિયા અને ટેક્નોલોજીના ઉપયોગ વિશે સમજાવવામાં આવ્યું હતું.
ટ્રેનિંગ દરમિયાન ફિલ્ડ ટ્રેનરોને વ્યવહારુ ઉદાહરણો દ્વારા તાલીમ આપવામાં આવી રહી છે જેથી તેઓ પોતાના ક્ષેત્રમાં અસરકારક રીતે કામગીરી કરી શકે. સાથે જ ચોકસાઈ અને સમયબદ્ધ કામગીરી પર ખાસ ભાર મુકવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમથી જિલ્લામાં વસ્તી ગણતરી-2027નું કાર્ય વધુ સુવ્યવસ્થિત અને સફળતાપૂર્વક પૂર્ણ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. જિલ્લા તંત્ર દ્વારા તમામ તાલીમાર્થીઓને જવાબદારીપૂર્વક કામગીરી કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR