
અમરેલી, 18 માર્ચ (હિ.સ.) : અમરેલી જિલ્લા પંચાયતની મુદત પૂર્ણ થતા જિલ્લાની વહીવટી વ્યવસ્થા સતત અને સુચારૂ રીતે ચાલે તે માટે અમરેલીના કલેક્ટરે વહીવટદાર તરીકે ચાર્જ સંભાળ્યો છે. રાજ્ય સરકારના નિયમો મુજબ, સ્થાનિક સ્વરાજ સંસ્થાની મુદત પૂર્ણ થયા બાદ નવી રચના થાય ત્યાં સુધી વહીવટની જવાબદારી કલેક્ટરને સોંપવામાં આવે છે.
કલેક્ટર દ્વારા વહીવટદાર તરીકે ચાર્જ સંભાળતા જ વિવિધ શાખાઓના અધિકારીઓ સાથે બેઠક યોજી જિલ્લા પંચાયત હેઠળ ચાલી રહેલી વિકાસ યોજનાઓની સમીક્ષા કરવામાં આવી હતી. ખાસ કરીને ગ્રામ વિકાસ, માર્ગ વ્યવસ્થા, પાણી પુરવઠો, આરોગ્ય અને શિક્ષણ સંબંધિત કામગીરી પર ખાસ ધ્યાન આપવાની સૂચનાઓ આપવામાં આવી છે.
વહીવટદાર તરીકે કલેક્ટર દ્વારા જાહેર સેવાઓમાં કોઈ વિક્ષેપ ન આવે તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું છે તેમજ નાગરિકોને મળતી સુવિધાઓ સતત જળવાઈ રહે તે માટે તંત્રને સક્રિય રહેવા જણાવ્યું છે. જિલ્લા પંચાયતની નવી રચના સુધી કલેક્ટરના માર્ગદર્શન હેઠળ સમગ્ર વહીવટ પારદર્શક અને અસરકારક રીતે ચાલશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai