પ્રાકૃતિક કૃષિ ભવિષ્યની પેઢી માટે પ્રેમ અને સ્વાસ્થ્યની અનમોલ ભેટ
ગાંધીનગર, 18 માર્ચ (હિ.સ.) : વર્તમાન સમયમાં જ્યારે આપણે ''વિકાસ''ની દોટમાં કુદરતથી દૂર જઈ રહ્યા છીએ, ત્યારે ખેતીમાં વપરાતા રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુનાશકોએ આપણી ધરતી માતાને બીમાર કરી દીધી છે. આ પરિસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ એ માત્ર એક વિકલ્પ નથી,
પ્રતિકાત્મક તસ્વીર


ગાંધીનગર, 18 માર્ચ (હિ.સ.) : વર્તમાન સમયમાં જ્યારે આપણે 'વિકાસ'ની દોટમાં કુદરતથી દૂર જઈ રહ્યા છીએ, ત્યારે ખેતીમાં વપરાતા રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુનાશકોએ આપણી ધરતી માતાને બીમાર કરી દીધી છે. આ પરિસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ એ માત્ર એક વિકલ્પ નથી, પણ એક આશાનું કિરણ છે. તે આપણી આવનારી પેઢીને એક સુરક્ષિત અને સમૃદ્ધ ભવિષ્ય આપવાનો એકમાત્ર માર્ગ છે.

રાસાયણિક ખેતીએ જમીનને નિષ્પ્રાણ અને કઠણ બનાવી દીધી છે. પ્રાકૃતિક ખેતીમાં જ્યારે આપણે ગાયના છાણ અને ગૌમૂત્ર આધારિત જીવામૃતનો ઉપયોગ કરીએ છીએ, ત્યારે જમીનમાં કરોડો સૂક્ષ્મ જીવો અને અળસિયાં પુનઃજીવિત થાય છે. આ પદ્ધતિથી આપણે આપણા સંતાનોને એવી જમીન સોંપીશું જે ફળદ્રુપ હશે, નહીં કે ઉજ્જડ અને બંજર.

આજે નાની ઉંમરે ગંભીર બીમારીઓનું મુખ્ય કારણ આપણા થાળીમાં પીરસાયેલું 'ઝેર' છે. પ્રાકૃતિક કૃષિ થકી પકવેલું અન્ન શુદ્ધ, સાત્વિક અને પોષણક્ષમ હોય છે.

કેમિકલ વગરનો આહાર બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

આ સાથે જ કુદરતી રીતે પાકેલા ફળો અને અનાજનો અસલી સ્વાદ ભવિષ્યની પેઢી માણી શકશે.તથ પર્યાવરણ અને જળનું જતન પણ થઈ શકશે.

પ્રાકૃતિક ખેતીમાં પાણીનો વપરાશ ખૂબ ઓછો થાય છે અને ભૂગર્ભ જળ પ્રદૂષિત થતું અટકે છે. ગ્લોબલ વોર્મિંગના આ યુગમાં, પ્રાકૃતિક ખેતી વાતાવરણને ઠંડુ રાખવામાં અને કાર્બન શોષવામાં મહત્વનો ભાગ ભજવે છે. આપણે આપણા વારસદારોને માત્ર મિલકત નહીં, પણ ચોખ્ખી હવા અને પીવાલાયક પાણી ભેટમાં આપવાના છે.

આર્થિક સદ્ધરતા અને આત્મનિર્ભરતાની વાત કરવામાં આવે તો જ્યારે ખેડૂત બજારમાંથી મોંઘા બિયારણ કે ખાતર ખરીદવાનું બંધ કરી 'પોતાની ખેતી, પોતાનું ખાતર' અપનાવે છે, ત્યારે તે સાચા અર્થમાં સમૃદ્ધ બને છે. આ આત્મનિર્ભરતા આવનારી પેઢીને ખેતી પ્રત્યે ગૌરવ અપાવશે.

આપણે આ પૃથ્વી આપણા પૂર્વજો પાસેથી વારસામાં નથી મેળવી, પરંતુ આપણા બાળકો પાસેથી ઉધાર લીધી છે.આ વિચાર સાથે આપણે પ્રાકૃતિક કૃષિ કરવા હવે આગળ વધવાનું છે.

પ્રાકૃતિક કૃષિ એ ધરતી માતાના આશીર્વાદ મેળવવાનો માર્ગ છે. જો આપણે આજે જાગૃત થઈને પ્રકૃતિના શરણે જઈશું, તો જ આવનારી પેઢી આપણને યાદ રાખશે. ચાલો, આપણે સંકલ્પ કરીએ કે આપણે આપણા સંતાનોને ઝેરવાળી જમીન નહીં, પણ અમૃત સમાન ફળદ્રુપ ધરતી ભેટમાં આપીશું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande