
મહેસાણા, 18 માર્ચ (હિ.સ.) મહેસાણા જિલ્લાના નુગર વિસ્તારમાં ONGC મહેસાણા એસેટ દ્વારા લાઈવ ઓફસાઈટ મોક ડ્રિલનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ મોક ડ્રિલનો મુખ્ય હેતુ ઈમરજન્સી પરિસ્થિતિમાં પ્રતિસાદ ક્ષમતા, વિભાગો વચ્ચેનું સંકલન અને સલામતી વ્યવસ્થાની અસરકારકતા પરખવાનો હતો.
ડ્રિલ દરમિયાન વિવિધ ઈમરજન્સી પરિસ્થિતિઓનું અનુસરણ કરવામાં આવ્યું હતું, જેમાં અગ્નિકાંડ, ગેસ લીકેજ અને અન્ય જોખમી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખી ટીમોએ ઝડપી અને સંયમિત કામગીરી કરી હતી. ONGCના અધિકારીઓ, ટેકનિકલ સ્ટાફ તેમજ અન્ય સહાયક એજન્સીઓએ સંકલિત રીતે કામગીરી કરી સમગ્ર સ્થિતિને નિયંત્રણમાં લીધી હતી.
આ મોક ડ્રિલ દ્વારા સંકળાયેલા તમામ વિભાગોની તૈયારી અને ક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું, તેમજ આવનારી કોઈપણ આકસ્મિક પરિસ્થિતિમાં વધુ સજ્જ રહેવા માટે જરૂરી સૂચનો પણ આપવામાં આવ્યા.
ડ્રિલ પૂર્ણ થયા બાદ સમગ્ર કામગીરીને નિયંત્રણ હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ જાહેર કરી “ઓલ ક્લિયર” આપવામાં આવ્યું હતું. આ પ્રકારની મોક ડ્રિલ સુરક્ષા દૃષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે, જેનાથી કર્મચારીઓ અને સંસ્થાની તત્પરતા વધુ મજબૂત બને છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR