
મહેસાણા, 18 માર્ચ (હિ.સ.) જિલ્લા કલેક્ટર કચેરી ખાતે શ્રી બહુચરાજી માતાજી મંદિર, બેચરાજી ખાતે યોજાનાર ચૈત્રી પૂનમ-2026ના મેળાને ધ્યાનમાં રાખીને પૂર્વ આયોજન અંગે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને મેળા દરમિયાન દર્શનાર્થીઓ તેમજ પગપાળા શ્રદ્ધાળુઓ માટે સુવિધાઓ સુનિશ્ચિત કરવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા, પીવાના પાણીની સુવિધા, આરોગ્ય સેવાઓ, સ્વચ્છતા, સુરક્ષા વ્યવસ્થા અને પાર્કિંગ જેવી મૂળભૂત જરૂરિયાતો પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. ખાસ કરીને મોટી સંખ્યામાં આવતા પગપાળા યાત્રાળુઓને કોઈ અસુવિધા ન પડે તે માટે માર્ગ પર આરામ સ્થળો, તબીબી સહાય અને પીવાના પાણીની વ્યવસ્થા સુદૃઢ બનાવવા સૂચનાઓ આપવામાં આવી હતી.
અધિકારીઓને પોતાના વિભાગ મુજબ જવાબદારીઓ સોંપવામાં આવી હતી અને મેળા દરમિયાન સતત દેખરેખ રાખવા તથા કોઈપણ પરિસ્થિતિમાં ઝડપી પ્રતિસાદ આપવા નિર્દેશ આપવામાં આવ્યા હતા.
આ બેઠકનો મુખ્ય હેતુ શ્રદ્ધાળુઓને સુરક્ષિત અને સુવિધાસભર દર્શનનો અનુભવ મળે તે સુનિશ્ચિત કરવાનો હતો. જિલ્લા તંત્ર દ્વારા તમામ તૈયારીઓ સમયસર પૂર્ણ કરવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR