અમરેલી માટે રેલવે વિકાસના મુદ્દે સંસદમાં ઉઠ્યો અવાજ, સાંસદ ભરતભાઈ સુતરીયાની વ્યાપક રજૂઆત
અમરેલી, 18 માર્ચ (હિ.સ.) અમરેલી લોકસભા વિસ્તારની જનતાને વધુ સારા રેલવે સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે સાંસદ ભરતભાઈ સુતરીયાએ સંસદ ગૃહમાં મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉઠાવ્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં અમરેલી જિલ્લાના રેલવે વિકાસને વેગ આપવા માટે અનેક માંગણીઓ રજૂ
અમરેલી માટે રેલવે વિકાસના મુદ્દે સંસદમાં ઉઠ્યો અવાજ, સાંસદ ભરતભાઈ સુતરીયાની વ્યાપક રજૂઆત


અમરેલી, 18 માર્ચ (હિ.સ.) અમરેલી લોકસભા વિસ્તારની જનતાને વધુ સારા રેલવે સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે સાંસદ ભરતભાઈ સુતરીયાએ સંસદ ગૃહમાં મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉઠાવ્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં અમરેલી જિલ્લાના રેલવે વિકાસને વેગ આપવા માટે અનેક માંગણીઓ રજૂ કરી હતી, જેનાથી વિસ્તારમાં પરિવહન અને આર્થિક પ્રવૃત્તિઓને નવી દિશા મળી શકે છે.

સાંસદ સુતરીયાએ જણાવ્યું હતું કે અમરેલી રેલવે સ્ટેશનનું ચાલી રહેલું કામ આગામી બે મહિનામાં પૂર્ણ થવાની સંભાવના છે. સ્ટેશનના આધુનિકીકરણથી મુસાફરોને વધુ સુવિધાઓ મળશે અને મુસાફરીનો અનુભવ સુધરશે.

તેમણે અમરેલીથી ‘વંદે ભારત’ ટ્રેન શરૂ કરવાની તેમજ હરિદ્વાર સુધી સીધી ટ્રેન સેવા શરૂ કરવાની માંગ કરી હતી. સાથે જ અમદાવાદ, સુરત, વડોદરા અને મુંબઈ જેવા મોટા શહેરો માટે ટ્રેન સુવિધાઓ વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, જેથી લોકોની મુસાફરી સરળ અને ઝડપી બની શકે.

આ ઉપરાંત, અમરેલી-ધારી મીટર ગેજ લાઇનને બ્રોડ ગેજમાં રૂપાંતરિત કરવાની માંગ પણ ગૃહમાં કરવામાં આવી, જે વિસ્તારના વેપાર, ઉદ્યોગ અને પ્રવાસન વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

સાંસદે અમરેલીમાં રેલવે કોચ ઉત્પાદન માટે સરકારી કારખાનું શરૂ કરવાની રજૂઆત પણ કરી હતી, જેનાથી સ્થાનિક સ્તરે રોજગારના અવસરો ઊભા થશે અને ઉદ્યોગિક વિકાસને પ્રોત્સાહન મળશે.

આ રજૂઆતોને કારણે અમરેલી જિલ્લામાં રેલવે સુવિધાઓના વિસ્તરણ અંગે આશાવાદી વાતાવરણ સર્જાયું છે અને જનતામાં વિકાસને લઈને નવી અપેક્ષાઓ જાગી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande