
અમદાવાદ, 18 માર્ચ (હિ.સ.) : ગુજરાતમાં આજે સવારે વિધાનસભા બિલ્ડિંગને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી. જે બાદ આજે અમદાવાદની પણ કેટલીક શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) ની પરીક્ષાઓના અંતિમ દિવસે જ ધમકીભર્યો ઈમેઇલ મળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
આજે અમદાવાદની મહારાજા અગ્રસેન, કેલોરેક્સ સ્કૂલ, શાંતિ એશિયાટિક, ઝેબર સ્કૂલ, આનંદ નિકેતન સ્કૂલ, ઝાયડસ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકી મળતાંની સાથે તમામ શાળાઓ સતર્ક થઈ ગઈ હતી. આ તમામ શાળાઓમાં પોલીસ અને બોમ્બ સ્ક્વોડની વિવિધ ટીમો પહોંચીને તપાસ શરૂ કરી હતી.
ગુજરાત બોલેગા ખાલિસ્તાન, મોદી-શાહ-સીએમ પટેલ-ગુજરાતી હિન્દુ ચરમપંથી':સ્કૂલોને ઉડાવી દેવા ધમકી ભર્યો મેલ મળતા વાલીઓ દોડી આવ્યા, સ્ટાફને મેદાનમાં બેસાડી સઘન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું.
ગુજરાત વિધાનસભા બાદ સવારે અમદાવાદની શાળાઓને ધમકીભર્યો મેઈલ મળ્યો છે. શહેરના મેમનગરની મહારાજા અગ્રેસન, ઘાટલોડિયાની કેલોરેક્સ સ્કૂલ, શાંતિ એશિયાટિક સ્કૂલને ધમકી આપવામાં આવી છે. ધમકીભર્યો ઈમેઇલ મળતાની સાથે જ શાળા સંચાલકોએ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી. જે બાદ તાત્કાલિક પોલીસનો કાફલો, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) અને ડોગ સ્ક્વોડ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
બોર્ડની પરીક્ષાના છેલ્લા દિવસે સ્કૂલને ધમકી મળી છે. 12 આર્ટ્સમાં ઇતિહાસનું અને ધો.10માં સામાજિક વિજ્ઞાનનું પેપર છે.જેને પગલે શાળાઓએ પોલીસ કંટ્રોલ રૂમને ધમકીની જાણ કરી છે. જેને પગલે બોમ્બ અને ડોગ સ્કવોડ દોડી ગઈ હતી.
આનંદ નિકેતન સ્કૂલમાં આવેલા એક વાલીએ જણાવ્યું છે કે, આ ધમકીઓ વારંવાર આવે છે. એટલે અટેન્શનમાં રહેવાની જરૂર છે, ટેન્શનમાં રહેવાની જરૂર નથી. વાલીઓને મારે એક જ વાત કહેવાની છે કે, અફવાઓ પર ધ્યાન ન આપીને શાળાની જે ઓફિશિયલ વેબસાઈટ છે તેને આધારભૂત માનીને ફોલો કરવાની જરૂર છે. પેનિક થવાની જરૂર નથી.
વિધાનસભા(વિઠ્ઠલભાઈ પટેલ ભવન)માં 2.11 વાગ્યે બ્લાસ્ટ કરવામાં આવશે. સીએમ પટેલ ખાલિસ્તાન રેફરેન્ડમ દે સપોર્ટ વીચ રિઝોલ્યુશન નહીંતર પટેલ ભવન ઉડાવી દઈશું.
સાયબર અપરાધીઓ આવા ધમકીભર્યા ઈમેઈલ મોકલવા માટે અનેક તરકીબો અપનાવે છે. તેઓ સામાન્ય રીતે ગુપ્ત ઈમેઈલ સેવાઓનો ઉપયોગ કરે છે, જેમ કે પ્રોટોનમેઈલ અથવા ટેમ્પરરી ઈમેઈલ સર્વિસ. આ સેવાઓમાં તેઓ ખોટા નામ અને વિગતો વાપરીને એકાઉન્ટ બનાવે છે, જેથી તેમની ઓળખ છુપાઈ રહે.
તેઓ વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક અથવા ટોર બ્રાઉઝરનો ઉપયોગ કરીને તેમના આઈપી એડ્રેસને છુપાવે છે. આઈપી એડ્રેસ એ ડિવાઇસ નું ઓનલાઇન સરનામું છે, જે સ્થાન અને ઓળખ વિશે જણાવે છે. સાયબર ગુનેગારો વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક નો ઉપયોગ મુખ્યત્વે તેમની ઓળખ તેમજ આઈપી એડ્રેસ છુપાવવા, ઓનલાઇન પ્રવૃત્તિઓને અજ્ઞાત રાખવા અને કાયદાકીય સંસ્થાઓથી બચવા માટે કરે છે. કેટલાક અપરાધીઓ ઈમેઈલ સ્પૂફિંગનો ઉપયોગ કરે છે.
પોલીસ કમિશનરે વાલીઓને અપીલ કરી છે કે, વાલીઓ અફવાઓ પર ધ્યાન ન આપે અને ગભરાય નહીં. શાળાઓમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પરીક્ષાની પ્રક્રિયામાં કોઈ ખલેલ ન પહોંચે તેની તકેદારી રાખવામાં આવી રહી છે. હાલમાં કોઈપણ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી, જે રાહતના સમાચાર છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ