
મહેસાણા, 04 માર્ચ (હિ.સ.) ધૂળેટીના પર્વે જ્યાં દેશભરમાં લોકો ગુલાલ અને રંગોથી ઉજવણી કરે છે, ત્યાં મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં અનોખી પરંપરા જીવંત છે. અહીં રંગોના બદલે લોકો એકબીજા પર જૂના પગરખાં અને શાકભાજી ફેંકીને ‘ખાસડા યુદ્ધ’ રમી ધૂળેટીની ઉજવણી કરે છે. આશરે 100 વર્ષથી ચાલી આવતી આ પરંપરામાં સ્થાનિક આગેવાનો અને નાગરિકો ઉત્સાહભેર જોડાય છે.
વિસનગરના મંડી બજાર વિસ્તારમાં ઉત્તર અને દક્ષિણ એમ બે જૂથો રચાય છે. બંને પક્ષ સામસામે આવી બટાકા, ડુંગળી, ટામેટા, રીંગણ તેમજ ખાસડાનો મારો ચલાવે છે. માન્યતા છે કે જેને આ દરમિયાન પગરખું કે શાકભાજી વાગે તેનું વર્ષ શુભ અને સુખમય રહે છે, તેથી લોકો તેને આશીર્વાદ સમજી સ્વીકારે છે.
આ રમૂજી યુદ્ધ બાદ મુખ્ય ચોકમાં ‘ખજૂર ભરેલો ઘડો’ મેળવવા માટે બંને જૂથો વચ્ચે હરીફાઈ થાય છે. વિજેતા જૂથ ઘરે-ઘરે જઈ ખજૂર એકત્રિત કરી પ્રસાદરૂપે વહેંચે છે. સમય સાથે ખાસડાનું પ્રમાણ ઘટ્યું હોવા છતાં પરંપરાનો ઉત્સાહ આજે પણ યથાવત છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR