જામનગરમાં ધુળેટીની ઉત્સાહભેર ઉજવણી : પોલીસ હેડક્વાર્ટરમાં રંગોત્સવ, રિસોર્ટ્સમાં યુવાનો રેન ડાન્સમાં ઝૂમ્યા
જામનગર, 05 માર્ચ (હિ.સ.) :જામનગરમાં ધુળેટી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. પોલીસ હેડક્વાર્ટરથી લઈને ખાનગી રિસોર્ટ્સ સુધી સર્વત્ર રંગોની હેલી જોવા મળી હતી. જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની દ્વારા પોલીસ પરિવાર માટે પોલીસ હેડક્વાર્ટર ખ
જામનગરમાં ધુળેટીની ઉજવણી


જામનગર, 05 માર્ચ (હિ.સ.) :જામનગરમાં ધુળેટી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. પોલીસ હેડક્વાર્ટરથી લઈને ખાનગી રિસોર્ટ્સ સુધી સર્વત્ર રંગોની હેલી જોવા મળી હતી. જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની દ્વારા પોલીસ પરિવાર માટે પોલીસ હેડક્વાર્ટર ખાતે ખાસ સ્નેહમિલન અને ધુળેટી ઉત્સવનું આયોજન કરાયું હતું.

આ ઉજવણીમાં એસપી ડો. રવિ મોહન સૈનીએ પોતે પોલીસ કર્મચારીઓ સાથે રંગ રમીને ઉત્સાહ વધાર્યો હતો. એએસપી પ્રતિભા, ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા, ડીવાયએસપી મિત રૂડાલ, તેમજ એસઓજી અને એલસીબીના પીઆઈ સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

ઓર્કેસ્ટ્રા અને ડીજેના સથવારે પોલીસ કર્મીઓએ રાસ-ગરબા રમીને કામગીરીના તણાવને હળવો કર્યો હતો. એકબીજા પર ગુલાલ છાંટીને સૌએ ભાઈચારાનો સંદેશ પાઠવ્યો હતો.

બીજી તરફ, જામનગરના પ્રખ્યાત સેવન સીઝન રિસોર્ટ સહિતના વિવિધ પાર્ટી પ્લોટોમાં પણ ધુળેટી પર્વનું ભવ્ય આયોજન કરાયું હતું. શહેરના યુવા વર્ગે આધુનિક ડીજે સિસ્ટમ અને રેન ડાન્સની વચ્ચે ધુળેટીની મોજ માણી હતી.

મોટી સંખ્યામાં પરિવારો અને મિત્રોના ગ્રુપ એકઠા થયા હતા અને એકબીજાને રંગોથી તરબતર કર્યા હતા. શહેરના માર્ગો પર પણ સવારથી જ યુવાનોના ટોળેટોળા 'હોલી હૈ'ના નાદ સાથે નીકળી પડ્યા હતા. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સમગ્ર શહેરમાં કોઈ પણ અનિચ્છનીય બનાવ વગર લોકોએ શાંતિપૂર્ણ રીતે પર્વની ઉજવણી કરી હતી.

જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈનીએ આ અવસરે જામનગરના તમામ રહેવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે લોકોને સન્માન અને પ્રેમથી તહેવાર ઉજવવા તેમજ અન્ય લોકોને પરેશાની ન થાય તેનું ધ્યાન રાખવા અપીલ કરી હતી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોઈપણ જગ્યાએ પોલીસની જરૂરિયાત હોય તો નજીકના પોલીસ સ્ટેશન અથવા 112 નંબર ઉપર પોલીસનો સંપર્ક કરીને મદદ મેળવી શકાય છે.

જિલ્લા પોલીસ વડા ડો.રવિ મોહન સૈની ની દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આજે ધુળેટીના પાવન અવસર ઉપર, જ્યારે સમગ્ર દેશમાં ધુળેટીનો પર્વ ઉત્સાહથી મનાવવામાં આવી રહ્યો છે, ત્યારે જામનગર પોલીસ તરફથી જામનગરના તમામ રહેવાસીઓને ખૂબ-ખૂબ શુભેચ્છાઓ.

તમામ લોકો સન્માન અને પ્રેમથી આ તહેવારની ઉજવણી કરે. સાથે જ, બીજા લોકોને પણ પરેશાની ન થાય તે વાતનું ધ્યાન રાખીને ઉજવણી કરે તેવી અમારી અપેક્ષા છે. કોઈપણ જગ્યાએ પોલીસની જરૂરિયાત હોય તો નજીકના પોલીસ સ્ટેશન અથવા 112 નંબર ઉપર પોલીસનો સંપર્ક કરીને મદદ મેળવી શકાય છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande