વલસાડના છીપવાડમાં ધૂળેટી પર્વે રક્તદાન શિબિર યોજાઈ, માત્ર ચાર કલાકમાં 40 બોટલ લોહી એકત્ર થયું
વલસાડ, 05 માર્ચ (હિ.સ.) : ધૂળેટીના પાવન પર્વ નિમિત્તે વલસાડના નાની છીપવાડ યુવક મંડળ અને વાવડી ગણેશ મહોત્સવ દ્વારા 31મો રક્તદાન શિબિર સફળતાપૂર્વક યોજાયો હતો, જેમાં 4 કલાકમાં જ 40 જેટલી રકતબેગો એક્ત્ર થઈ હતી. આ કેમ્પમાં 12 જેટલા રકતદાતાઓ રક્તની અલ્
Valsad


વલસાડ, 05 માર્ચ (હિ.સ.) : ધૂળેટીના પાવન પર્વ નિમિત્તે વલસાડના નાની છીપવાડ યુવક મંડળ અને વાવડી ગણેશ મહોત્સવ દ્વારા 31મો રક્તદાન શિબિર સફળતાપૂર્વક યોજાયો હતો, જેમાં 4 કલાકમાં જ 40 જેટલી રકતબેગો એક્ત્ર થઈ હતી. આ કેમ્પમાં 12 જેટલા રકતદાતાઓ રક્તની અલ્પતાને કારણે પોતાનું રક્તદાન કરી શક્યા ન હતા. આ શિબિરમાં ઉર્વીશ પ્રજાપતિએ 50મી વખત રક્તદાન કરતા આયોજકોએ પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કર્યું હતું.

છેલ્લા ઘણા વર્ષોથી સતત સેવા અને સમર્પણ સાથે આ સંસ્થાઓ દ્વારા વર્ષમાં બે વખત નિયમિત રક્તદાન શિબિરો યોજાઈ છે, જેનાથી વલસાડ અને આસપાસના વિસ્તારોમાં રક્તની જરૂરિયાત પૂરી કરવામાં મહત્વપૂર્ણ યોગદાન મળી રહ્યું છે. છેલ્લા 16 વર્ષ દરમ્યાન 3000 થી વધુ રક્ત યુનિટ એકત્રિત કરી રકતદાન કેન્દ્રને સહયોગી થઇ રહ્યા છે.

આ વર્ષનો ૩૧મો રક્તદાન શિબિર નિયમિત રક્તદાતા સ્વ. હર્ષદરાય ભંડારીના પવિત્ર સ્મરણાર્થે સમર્પિત હતો. તેઓ વર્ષો સુધી રક્તદાન પ્રવૃત્તિઓને પ્રેરણા અને માર્ગદર્શન આપતા રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન તેમની સ્મૃતિમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમની માનવસેવાની ભાવનાને નમન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન શિબિરમાં હાલમાં જૂનાગઢના તાલુકા વિકાસ અધિકારી થી નાયબ કલેક્ટર તરીકે બઢતી પામેલા ડો.રાજેન્દ્રસિંહ ઠાકોર, વેપારી મંડળના પ્રમુખ સમીર મપારા તથા અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવો દ્વારા રક્તદાનના મહત્વ વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું અને યુવાનોને નિયમિત રક્તદાન માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ખાસ કરીને પ્રથમ વખત રક્તદાન કરનાર યુવાનોનો ઉમંગ અને સેવાભાવ નોંધપાત્ર રહ્યો હતો. વર્ષોથી ચાલી રહેલી આ સેવા પ્રવૃત્તિ દ્વારા અનેક જરૂરિયાતમંદ દર્દીઓને જીવનદાયી સહાય મળી છે.

અતુલ રૂરલ ડેવલપમેન્ટ ફંડ (ARDF) અતુલ દ્વારા રક્તદાતાઓને પ્રોત્સાહક ભેટો અર્પણ કરી સેવા કાર્યમાં સહભાગી બન્યા હતાં. આયોજકો દ્વારા તમામ રક્તદાતાઓ, મહાનુભાવો અને વલસાડ રક્તદાન કેન્દ્રની ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

“રક્તદાન – મહાદાન” ના સંદેશ સાથે બન્ને સંસ્થાઓ વતી આયોજક શતક રકતદાતા ભીખુ ભાવસાર અને મિતેશ ભંડારી તથા એમની સમગ્ર ટીમ દ્વારા આવનારા સમયમાં પણ નિયમિત અને વધુ વ્યાપક સ્તરે રક્તદાન શિબિરો યોજવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande