
સુરત, 05 માર્ચ (હિ.સ.)-રાજ્ય સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા માઉન્ટ આબુ સ્થિત સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા ખાતે નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. પસંદગી પામનાર ઉમેદવારોને રહેવા, જમવા અને તાલીમનો કોઈ ખર્ચ ભરવો નહીં પડે. ઉપરાંત વતનથી તાલીમ સ્થળ સુધી આવવા-જવા માટે એસ.ટી. બસ અથવા રેલવે સેકન્ડ ક્લાસનું ભાડું પણ આપવામાં આવશે.
આ શિબિર હેઠળ એડવેન્ચર કોર્ષ તા. 9 થી 15 મે, 2026 દરમિયાન યોજાશે, જેમાં 8 થી 13 વર્ષના યુવક-યુવતીઓ ભાગ લઈ શકશે. એડવાન્સ રોક ક્લાઇમ્બિંગ કોર્ષ તા. 18 મે થી 1 જૂન, 2026 સુધી યોજાશે, જેમાં 15 થી 45 વર્ષના અને બેઝિક ખડક ચઢાણ કોર્ષ A અથવા B ગ્રેડ સાથે પાસ કરેલા ઉમેદવારો ભાગ લઈ શકશે. ઉપરાંત કોચિંગ રોક ક્લાઇમ્બિંગ કોર્ષ તા. 9 મે થી 7 જૂન, 2026 દરમિયાન યોજાશે, જેમાં 16 થી 45 વર્ષના અને ધોરણ 10 પાસ તેમજ એડવાન્સ કોર્ષ A અથવા B ગ્રેડ સાથે પાસ કરેલા ઉમેદવારો ભાગ લઈ શકશે.
આ ત્રણેય કોર્ષ માટે અરજી કરવાની અંતિમ તારીખ 31 માર્ચ, 2026 છે. રસ ધરાવતા ઉમેદવારો સંસ્થાના ફેસબુક પેજ પરથી અરજી ફોર્મ મેળવી શકે છે અને જરૂરી દસ્તાવેજો સાથે પોતાની અરજી સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા, ગૌમુખ રોડ, માઉન્ટ આબુ – 307501 પર મોકલી શકે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે