સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા ઉનાળુ કઠોળ પાકમાં સંકલિત રોગ-જીવાત નિયંત્રણ માટે વિસ્તૃત માર્ગદર્શિકા જાહેર
ગાંધીનગર, 05 માર્ચ (હિ.સ.) : રાજ્યના ખેડૂતો માટે ઉનાળુ સીઝન એ મગ, ચોળી અને ગુવાર જેવા કઠોળ પાકો લેવા માટેની ઉત્તમ ઋતુ છે. પરંતુ વધતા તાપમાન અને બદલાતા વાતાવરણમાં પાકને રોગ અને જીવાતોથી બચાવવો એ એક મોટો પડકાર હોય છે. ખેડૂતોની આ ચિંતાને દૂર કરવા અને
સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા ઉનાળુ કઠોળ પાકમાં સંકલિત રોગ-જીવાત નિયંત્રણ માટે વિસ્તૃત માર્ગદર્શિકા જાહેર


ગાંધીનગર, 05 માર્ચ (હિ.સ.) : રાજ્યના ખેડૂતો માટે ઉનાળુ સીઝન એ મગ, ચોળી અને ગુવાર જેવા કઠોળ પાકો લેવા માટેની ઉત્તમ ઋતુ છે. પરંતુ વધતા તાપમાન અને બદલાતા વાતાવરણમાં પાકને રોગ અને જીવાતોથી બચાવવો એ એક મોટો પડકાર હોય છે. ખેડૂતોની આ ચિંતાને દૂર કરવા અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન સુનિશ્ચિત કરવા માટે સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા એક વિસ્તૃત સંકલિત રોગ-જીવાત નિયંત્રણ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આ માર્ગદર્શિકામાં બિયારણની માવજતથી લઈને પાક લણણી સુધીના વૈજ્ઞાનિક ઉપાયો દર્શાવવામાં આવ્યા છે, જેનો અમલ કરીને ખેડૂતો ખર્ચ ઘટાડીને વધુ નફો મેળવી શકે છે.

આ માર્ગદર્શિકામાં જણાવ્યા અનુસાર ખેડૂતોએ રોગ પ્રતિકારક જાતોનું વાવેતર કરવું જોઈએ. મગ અને ગુવારમાં બેક્ટેરીયલ બ્લાઇટ રોગના નિયંત્રણ માટે બિયારણને સ્ટ્રેપ્ટોમાયસીન સલ્ફેટ ૨૫૦ પીપીએમના દ્રાવણમાં ૩૦ મિનિટ સુધી બોળી રાખીને સુકાયા પછી વાવણી કરવી તેમજ પાક પર રોગની શરૂઆત થયે સ્ટ્રેપ્ટોસાયક્લીન ૧ ગ્રામને ૧૦ લિટર પાણીમાં અથવા કસુગામાઇસીન ૫ ટકા અને કોપર ઓક્સીક્લોરાઇડ ૪૫ ટકા વે.પા. ૧૫ ગ્રામને ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો જોઈએ.

આ ઉપરાંત ચૂસિયા જીવાતોના નિયંત્રણ માટે લીમડાનું તેલ ૩૦ મી.લી. પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. સફેદમાખી, તડતડીયાં, લીફ વેબર જેવી ચૂસિયા જીવાતોનો વધુ ઉપદ્રવ જણાયેથી રાસાયણિક નિયંત્રણ માટે ઇમીડાક્લોપ્રીડ ૧૭.૮ એસ.એલ. ૩ મી.લી./૧૦ લિટર અથવા થાયોમેથોક્ઝામ ૨૫ ડબલ્યુ.જી ૪ ગ્રામ/૧૦ લિટર અથવા એસીફેટ ૭૫ ટકા એસ.પી. ૧૦ ગ્રામ/૧૦ લિટર પ્રમાણે છંટકાવ કરવો જોઈએ.

વધુમાં, શિંગ કોરી ખાનાર ઇયળના રાસાયણિક નિયંત્રણ માટે સ્પીનોસાડ ૪૫ એસ.સી. ૧.૬ મી.લી/૧૦ લિટર અથવા ઇમાબેક્ટીન બેન્ઝોએટ ૫ એસ.જી. ૩ ગ્રામ/૧૦ લિટર પ્રમાણે પ્રથમ છંટકાવ ૫૦ ટકા ફૂલ અવસ્થાએ જ્યારે જરૂર જણાય તો ૭-૧૦ દિવસ બાદ બીજો છંટકાવ કરવો જોઈએ. આ ઉપરાંત ભૂકી છારો રોગની શરૂઆત થયેથી હેક્ઝાકોનાઝોલ ૫ ઇ.સી ૧૦ મી.લી. અથવા વેટેબલ સલ્ફર ૧૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો ત્યારબાદ ૧૫ દિવસના અંતરે ત્રણ છંટકાવ કરવા જોઈએ.

પાનનાં ટપકાંનો રોગ-સરકોસ્પોરાની શરૂઆત થયેથી હેક્ઝાકોનાઝોલ ૫ ઇ.સી. ૧૦ મી.લી. અથવા કાર્બેન્ડેઝીમ ૫૦ ટકા વે.પા. ૫ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી ૧૨ દિવસના અંતરે ત્રણ છંટકાવ કરવા. આ ઉપરાંત પીળો પચરંગીયો રોગના લક્ષણ જોવા મળે ત્યારે સફેદમાખી કે મોલોમશીના નિયંત્રણ માટે ભલામણ કરેલી શોષક પ્રકારની જંતુનાશક દવા છાંટવી જોઈએ.

દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલા લેબલ મુજબ જે તે પાક માટે આપવામાં આવેલા ડોઝ અને જે તે રોગ-જીવાત માટેની દવા છે તે ભલામણ મુજબ અનુસરવી જોઈએ. આ અંગે વધુ જાણકારી મેળવવા નજીકના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, ખેતી અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, વિસ્તરણ નાયબ ખેતી નિયામક કે તાલીમ નાયબ ખેતી નિયામકનો સંપર્ક કરવા, સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની યાદીમાં જણાવાયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande