


ગાંધીનગર, 05 માર્ચ (હિ.સ.) : સર્વ વિદ્યાલયની વિવિધ ૧૬ કોલેજોના ૬૫ વિદ્યાર્થીઓ સર્વ વિદ્યાલય કડી ખાતે ૧૧૬મી પાંચ દિવસીય નિવાસી તાલીમમાં ઉત્સાહભેર જોડાયા હતા. શિબિરમાં મુખ્ય ટ્રેનર તરીકે ગુજરાતના જાણીતા મોટીવેશનલ સ્પીકર દિપક તેરૈયા અને ઉમા તેરૈયા ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને વિવિધ આત્મચિંતનની પ્રવૃત્તિઓ દ્વારા સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ માટેનું વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
યુવાનોમાં એકાગ્રતા, માનસિક શાંતિની અનુભૂતિ માટે રોજ સવારે ડો. કપિલ ત્રિવેદી સાહેબ દ્વારા યોગ આસનો અને ધ્યાનના સત્રો યોજાયા હતા સાથે તેઓ રાષ્ટ્ર માટે વિચાર કરે અને દેશહિતની પ્રવૃતિમાં જોડાય એ માટે ધ્વજારોહણ માટેની વિધિ કરવામાં આવતી હતી, જેનાથી યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ અને શિસ્તનો સંદેશો પ્રસર્યો હતો. શિબિરના સમાપન સત્રમાં યુથ કોઓર્ડિનેટર તરીકે કાર્યરત પ્રવીણભાઈ વલેરા અને સર્વ વિદ્યાલય હોસ્ટેલના મુખ્ય કોઓર્ડિનેટર કુમારભાઈ પંડ્યા સાહેબ ઉપસ્થિત રહી સફળ અને સાર્થક જીવનમાં માટે સારા વિચારો, સારી આદતો, સકારાત્મક અભિગમ સાથે આગળ વધવા માટેનું પ્રેરણાત્મક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
શિબિરના અંતે વિદ્યાર્થીઓને “વિચારતા સમુદાય સમર્થન મંચ” દ્વારા સંચાલિત વલ્લભ વિદ્યાવિહાર પાનસર એજ્યુકેશન સેન્ટરની મુલાકાત કરાવવામાં આવી હતી. આ સમગ્ર શિબિરનું સફળ આયોજન અને સંચાલન ડો. ધર્મેન્દ્ર પટેલ, સૂરજ મુંઝાણી, રાહુલ સુખડીયા, ખુશાલીબેન તેમજ પૂર્વ તાલીમાર્થી દીપ પ્રજાપતિ, પલ ડોંડા, ક્રિના નાઈ અને પૂર્વા પટેલ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ