
સુરત, 05 માર્ચ (હિ.સ.) : ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા અને મૂળભૂત સુવિધાઓને વધુ મજબૂત બનાવવાના હેતુથી સુરત જિલ્લા પંચાયત દ્વારા તા. 6 માર્ચ, 2026ના રોજ મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાશે. સવારે 10:30 વાગ્યે બારડોલી તાલુકાના ઈસરોલી ગામેથી જિલ્લાના 33 ગામોમાં ‘ઘન કચરા વ્યવસ્થાપન પ્રણાલી’નો શુભારંભ કરવામાં આવશે.
આ યોજનાનો પ્રારંભ જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવિનીબેન પટેલના હસ્તે થશે. સાથે સાથે વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે.
આ કાર્યક્રમ આર.એન.જી. પટેલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી, તાજપોર કોલેજ, ઈસરોલી ખાતે યોજાશે. સમારોહમાં સાંસદ પ્રભુભાઈ વસાવા, ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર, જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ જીતેન્દ્ર પટેલ, આરોગ્ય સમિતિના અધ્યક્ષ રોશન પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ જમનાબેન એમ. રાઠોડ સહિત જિલ્લા અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહેશે.
આ પહેલ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં કચરા સંચાલન વ્યવસ્થા વધુ સુવ્યવસ્થિત બની સ્વચ્છતા અભિયાનને નવી ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે