જૂનાગઢ જિલ્લામાં ૧૮૧ અભયમ’ સેવાના ૧૨ વર્ષ ના સમયગાળામાં ૪૮૪૪૩ કિસ્સામાં મહિલાઓએ લીધો લાભ
જુનાગઢ, 08 માર્ચ (હિ.સ.) જૂનાગઢ જિલ્લામાં ૧૨ વર્ષનાં સમયગાળાની સફળ કામગીરી દરમ્યાન ૧૮૧ ‘અભયમ’ મહિલા હેલ્પલાઈન દ્વારા જિલ્લામાં કુલ ૪૮૪૪૩ જેટલા કિસ્સાઓમાં મહિલાઓને જરૂરિયાત મુજબ સલાહ- સુચન, માર્ગદર્શન અને બચાવની મદદ પુરી પાડેલ છે. અને ૧૮૧‘અભયમ’ એ અ
જૂનાગઢ જિલ્લામાં ૧૮૧ અભયમ’ સેવાના ૧૨ વર્ષ ના સમયગાળામાં


જુનાગઢ, 08 માર્ચ (હિ.સ.) જૂનાગઢ જિલ્લામાં ૧૨ વર્ષનાં સમયગાળાની સફળ કામગીરી દરમ્યાન ૧૮૧ ‘અભયમ’ મહિલા હેલ્પલાઈન દ્વારા જિલ્લામાં કુલ ૪૮૪૪૩ જેટલા કિસ્સાઓમાં મહિલાઓને જરૂરિયાત મુજબ સલાહ- સુચન, માર્ગદર્શન અને બચાવની મદદ પુરી પાડેલ છે. અને ૧૮૧‘અભયમ’ એ અનેક માહિલાઓના જીવનમાં નવી આશા જગાડી છે. તેમજ તાકીદની પરીસ્થિતિમાં ઘટના સ્થળ ઉપર ૧૮૧ અભયમ રેસક્યુવાન સાથે કાઉન્સિલરસહિતની ટિમ જઇને ૧૧૫૩૦ જેટલી મહિલાઓને મદદ પુરી પાડેલ છે.

જાન્યુઆરી ૨૦૨૫ થી ડિસેમ્બર ૨૦૨૫ માં૧૮૧ ‘અભયમ’મહિલાહેલ્પલાઈન દ્વારા જૂનાગઢ જિલ્લામાં કુલ ૯૨૪ જેટલા કિસ્સાઓમાં મહિલાઓને તાકીદની પરીસ્થિતિમાં ઘટના સ્થળ ઉપર ૧૮૧અભયમ રેસક્યુવાન સાથે કાઉન્સિલર સહિતની ટીમ જઇને મદદ પુરી પાડેલ છે જેમાંથી કુશળ કાઉન્સિલિંગ દ્વારા ૬૪૦ જેટલા કિસ્સાઓમાં સ્થળ પર જ સમાધાનકારી નિરાકરણ લાવવામાં સફળતા મળેલ તેમજ ૨૪૭ જેટલા કિસ્સાઓમાં ગંભીર પ્રકારની સમસ્યા જણાતા પીડિતાને આગળની કાર્યવાહી માટે પોલીસ સ્ટેશન, મહિલા સહાયતા કેન્દ્ર, જિલ્લા કાનૂની સેવા સતામંડળ, ઓ.એસ.સી. વગેરે સંસ્થાઓ સુધી લઇ જઈને ન્યાય અપાવવાના પ્રયત્નો કરવામાં આવેલ તેમજ ઘરવિહોણા કે અજાણ્યા મળી આવેલ હોય તેવી પીડિતાઓને આશ્રયગૃહમાં આશરો અપાવેલ તેમજ ઘણા કિસ્સાઓમાં ભૂલા પડેલા કે વૃદ્ધ અવસ્થાના કારણે ઘરેથી ભૂલા પડેલ હોય તેવા કિસ્સાઓમાં ૧૮૧ટીમના કુશળ કાઉન્સિલિંગ અને સુજ્બુજથી તેઓના પરિવાર સુધી પહોંચાડવાની ઉમદા કામગીરી કરવામાં આવેલ.

ગુજરાત રાજ્યના આંકડા:-*

ગુજરાત એટલે શાંતિ, સલામતી અને સમૃદ્ધિનું પર્યાય. રાજ્યમાં વસતી પ્રત્યેક મહિલા પોતે સુરક્ષિત અનુભવે અને મુશ્કેલીના સમયે તેને કોઈ મજબૂત સાથ મળે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ તથા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાત સરકાર સતત કાર્યશીલ છે. આ વર્ષે ૮મી માર્ચ, ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ ના રોજ ગુજરાતની મહિલાઓની સુરક્ષાની કરોડરજ્જુ સમાન ‘૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન’ પોતાની સફળ સેવાના ૧૨ વર્ષ પૂર્ણ કરી રહી છે ત્યારે આવો જાણીએ તેની કામગીરી અને સિદ્ધીઓ વિશે.

મહિલાઓ વિરુદ્ધ થતી ઘરેલુ હિંસા હોય કે જાહેર સ્થળે થતી છેડતી, ગુજરાત સરકારે ટેકનોલોજી અને સંવેદનાનો સમન્વય સાધીને ૮ માર્ચ ૨૦૧૫ના રોજ ‘૧૮૧ અભયમનો રાજ્યવ્યાપી પ્રારંભ કર્યો હતો. આજે આ હેલ્પલાઈન માત્ર એક નંબર નથી, પણ લાખો મહિલાઓ માટે મજબૂત સુરક્ષા કવચ બની છે.

છેલ્લા ૧૨ વર્ષમાં ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ગુજરાતની મહિલાઓ માટે એક મજબૂત સુરક્ષા કવચ સાબિત થઈ છે. ગુજરાત રાજ્યમાં છેલ્લા ૧૨ વર્ષમાં કુલ ૧૮,૧૦,૯૧૩ થી વધુ મહિલાઓને જરૂરી સલાહ અને માર્ગદર્શન પૂરું પાડીને તેમને સશક્ત કરવામાં આવી છે. આ સેવા માત્ર ફોન પૂરતી સીમિત ન રહેતા, ૩,૬૦,૯૬૪ જેટલા કિસ્સાઓમાં અભયમની ટીમે ઘટના સ્થળ પર જઈને મહિલાઓને તાત્કાલિક મદદ પહોંચાડી છે.

આ ઉપરાંત ૧૮૧ ટીમની કુશળતાને કારણે ૨,૨૯,૬૬૦ કિસ્સાઓમાં કાઉન્સિલિંગ દ્વારા વિવાદોનો સ્થળ પર જ સુખદ નિકાલ લાવવામાં આવ્યો છે. સૌથી પ્રશંસનીય બાબત એ છે કે, અત્યંત જોખમી પરિસ્થિતિમાં મુકાયેલી ૧,૦૯,૮૮૬ મહિલાઓનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી તેમને સુરક્ષિત આશ્રયસ્થાન સુધી પહોંચાડવામાં આવી છે.

ગુજરાત સરકારના ગૃહ વિભાગ અને મહિલા-બાળ વિકાસ વિભાગના અદભૂત સંકલનથી આજે રાજ્યની મહિલાઓ માટે ટેકનોલોજીથી સજ્જ એક અભેદ્ય સુરક્ષા માળખું તૈયાર થયું છે. ૨૪x૭ કાર્યરત આ સેવામાં મહિલા પોલીસ કોન્સ્ટેબલ અને તાલીમબદ્ધ કાઉન્સિલર્સની ટીમ દિવસ-રાત ફરજ નીભાવે છે. રાજ્યમાં દોડતી ૫૯ અત્યાધુનિક અભયમ રેસ્ક્યુ વાન માત્ર વાહન નથી, પણ જીપીએસ ટ્રેકિંગથી સજ્જ એક મોબાઈલ સુરક્ષા કેન્દ્ર છે, જે દેશભરમાં એક નવતર પહેલ ગણાય છે.

ડિજિટલ યુગમાં મહિલાઓની સુરક્ષાને વધુ સ્માર્ટ બનાવતા '૧૮૧ મોબાઈલ એપ' માં આપવામાં આવેલા ‘પેનિક બટન’ અને ‘ફોન શેકિંગ’ જેવા ફીચર્સ મહિલાઓને મુશ્કેલીના સમયે ફોન કર્યા વગર પણ પોતાનું ચોક્કસ લોકેશન હેલ્પલાઈન સેન્ટર સુધી પહોંચાડે છે. આમ, પરંપરાગત મદદ અને આધુનિક ટેકનોલોજીના સંગમથી ગુજરાતની નારી આજે આત્મવિશ્વાસ સાથે પોતાને વધુ સુરક્ષિત અનુભવે છે.

આ હેલ્પલાઈન માત્ર હિંસા જ નહીં, પણ સાયબર ગુનાઓ, લગ્ન જીવનના વિખવાદો, કાનૂની જોગવાઈઓ અને સરકારી યોજનાઓની માહિતી પણ પૂરી પાડે છે. મહત્વની વાત એ છે કે, મદદ માંગનાર મહિલાની ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવે છે. ગુજરાતમાં રહેતી અન્ય રાજ્યની મહિલાઓ પણ આ સેવાનો નિ:શુલ્ક લાભ લઈ શકે છે.

નારી સુરક્ષા એ જ અમારી પ્રાથમિકતાના લક્ષ્યાંક સાથે ગુજરાત સરકાર કામ કરી રહી છે. આજે ૧૮૧ અભયમ હેલ્પલાઈન દ્વારા રાજ્યની દીકરીઓ અને મહિલાઓ ખરા અર્થમાં ‘અભય’ બનીને પ્રગતિના પંથે આગળ વધી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande