
જૂનાગઢ, 08 માર્ચ (હિ.સ.) ગુજરાતનાં સાસણ ગિર નજીકના આંબલગઢ નામના નાનકડા એવા ગામડામાં ખેડૂત પરિવારમાં જન્મેલા અને ઉછરેલા વન વિભાગનાં મહિલા રેન્જ ફોરેસ્ટ ઓફિસર સુશ્રી તૃપ્તિ જોષી જે હાલ મોરબી વન વિભાગ હેઠળ ચેર રેન્જનાં નવલખી દરિયાઇ વિસ્તારમાં મેન્ગ્રુવ સંરક્ષણની જવાબદારી નિભાવી રહ્યા છે. તેઓ ગિરમાં પ્રકૃત્તિ વચ્ચે જ ઉછરેલા હોવાથી વન સંપદાનાં સંવર્ધન - જાળવણીની પડકારજનક સેવા માટે ગૌરવ’’ અનુભવી રહ્યા છે.
ગુજરાત સરકારનાં વન વિભાગમાં મહિલા સ્ટાફની બિટ ગાર્ડ તરીકે ભરતી કરવાની શરૂઆત તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ ૨૦૦૭માં કરી હતી. જેમાં સુશ્રી તૃપ્તિ જોષી પણ સામેલ હતા. ત્યારબાદ ૨૦૦૮માં પ્રથમ મહિલા ફોરેસ્ટરની ભરતી થઇ, તે બેચમાં પણ તેઓ પસંદગી પામ્યા હતા. ત્યારબાદ ખાતાકીય પરીક્ષા પાસ કરી, રેન્જ ફોરેસ્ટ ઓફિસર બન્યા. વન વિભાગની તેઓની ૧૯ વર્ષની સેવા દરમિયાન તેમની અલગ અલગ જિલ્લાઓમાં વન સંપદાની જમીન ઉપર તેમજ દરિયાઈ વિસ્તારમાં જાળવણીની કામગીરી કરી છે.
વિશ્વ મહિલા દિવસે સુશ્રી તૃપ્તિ જોષી જણાવે છે કે, મારા ખેડૂત પિતાએ દીકરી હોવા છતાં વન વિભાગ જેવી પડકારજનક સેવામાં જવાની હિંમત આપી હતી. મહિલા ગામડાની હોઇ કે, શહેરની, ખેડૂત પરિવારની હોઇ કે, અતિ શિક્ષિત પરિવારની, તે ધારે તે કરી શકે. કોઈપણ ક્ષેત્રમાં આગળ આવવા મહેનત અને નિષ્ઠા જરૂરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ