
જૂનાગઢ, 8 માર્ચ (હિ.સ.) રાજ્ય સરકાર દ્વારા નાગરિકો અને સરકારી સેવાઓનો નિકાલ ઘર આંગણે જ થાય તેવા ઉમદા હેતુથી 'સેવા સેતુ' કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જૂનાગઢના વડાલ ગામે આયોજિત સેવાસેતુ કેમ્પમાં અનેક ગ્રામજનોએ વિવિધ સરકારી યોજનાઓનો લાભ લીધો હતો.
આ કેમ્પના અનુભવ અંગે વડાલના વતની અલ્પેશ કાછડિયાએ જણાવ્યું હતું કે, આજે વડાલમાં વહિવટી તંત્ર દ્રારા આયોજિત સેવાસેતુ કાર્યક્રમ થી એક જ જગ્યાએથી ચાર મહત્વના કામો પૂર્ણ થયા છે. જેમાં રેશનકાર્ડમાં નામ બદલાવવું, આવકનો દાખલો કઢાવવો, વિધવા સહાયનું ફોર્મ ભરવું અને આધાર કાર્ડને લગતી કામગીરીનો સમાવેશ થાય છે.
અલ્પેશભાઈએ વધુમાં ઉમેર્યું હતું કે, સામાન્ય રીતે આ ચારેય કામો માટે મારે જૂનાગઢ જવુ પડતુ હોત. અને ત્યાં અલગ-અલગ સરકારી વિભાગોનો સંપર્ક કરવાનો થતો હતો. પરંતુ વડાલમાં જ આયોજિત આ કેમ્પના કારણે મારા તમામ કામો એક જ સ્થળે ખૂબ જ સહેલાઈથી થઈ ગયા છે.
સરકારના આ સકારાત્મક અભિગમ બદલ આભાર વ્યક્ત કરતા તેમણે જણાવ્યું કે, આવા કાર્યક્રમોના આયોજનથી સામાન્ય જનતાને ક્યાંય હેરાન થવું પડતું નથી અને તમામ કામગીરી સરળતાથી પાર પડે છે. તેમણે ભવિષ્યમાં પણ આવા કેમ્પનું આયોજન થતું રહે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ