
મહેસાણા, 12 એપ્રિલ (હિ.સ.) સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026ને ધ્યાનમાં રાખીને ઊંઝા ખાતે, ભાજપ દ્વારા ચૂંટણી તૈયારીને વેગ આપવામાં આવ્યો છે. આ અનુસંધાને ઊંઝા તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ઊંઝા તાલુકા ભાજપા મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા ભાજપ અધ્યક્ષ ગિરીશભાઈ રાજગોર, જિલ્લા પ્રભારી ભરતભાઈ ડાંગર અને ધારાસભ્ય કિરીટભાઈ પટેલ સહિત અનેક હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત આગેવાનોએ કાર્યકર્તાઓને સંબોધતા જણાવ્યું હતું કે, આવનારી ચૂંટણીમાં વિકાસના મુદ્દાઓને કેન્દ્રમાં રાખી જનસમર્થન મેળવવામાં આવશે.
આ પ્રસંગે સાંસદ હરિભાઈ પટેલે જણાવ્યું હતું કે, ઊંઝામાં વિકાસના કામોને વધુ ગતિ આપવામાં આવશે અને ભાજપ પ્રત્યે લોકોનો વિશ્વાસ વધુ મજબૂત બનશે. તેમણે કાર્યકર્તાઓને એકજૂટ રહીને કાર્ય કરવા અને વધુમાં વધુ મતદારો સુધી પહોંચવાનો આહ્વાન કર્યું હતું.
મધ્યસ્થ કાર્યાલય શરૂ થતાં ચૂંટણી આયોજન અને સંકલન કાર્ય વધુ સુગમ બનશે. ભાજપ દ્વારા ઊંઝા વિસ્તારમાં વિકાસના મુદ્દાઓ સાથે ચૂંટણી મેદાનમાં ઉતરવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR