
પાટણ, 12 એપ્રિલ (હિ.સ.)પાટણ શહેરના ધાંધલના છાપરા વિસ્તારમાં 22 વર્ષીય યુવાને પોતાના જૂના ઘરે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. આ ઘટનાથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
મળતી માહિતી મુજબ, અનાવાડા રોડ પર રહેતા દિલીપજી રમેશજી ઠાકોરના નાના ભાઈ રાહુલજી રમેશજી ઠાકોર ધાંધલના છાપરા ખાતે આવેલા તેમના જૂના ઘરે હતા, જ્યાં તેમણે અજાણ્યા કારણોસર આ પગલું ભર્યું.
પરિવારજનોને જાણ થતાં તેઓએ રાહુલજીને તરત નીચે ઉતારી સારવાર માટે ખસેડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે પહેલાં જ તેમનું મોત નિપજ્યું હતું. મૃતક મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો.
ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ