
જમ્મુ, નવી દિલ્હી, 12 એપ્રિલઃ દક્ષિણ કાશ્મીરમાં પવિત્ર અમરનાથ ગુફા મંદિરની વાર્ષિક યાત્રા 3 જુલાઈથી શરૂ થશે અને 57 દિવસ પછી 28 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે. 13 થી 70 વર્ષની વયના યાત્રાળુઓ મુસાફરી કરી શકે છે અને નોંધણી 15 એપ્રિલથી શરૂ થશે.
લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાની અધ્યક્ષતામાં, શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડ (એસએએસબી) ની બેઠકમાં યાત્રાની તારીખો નક્કી કરવામાં આવી હતી. લેફ્ટનન્ટ ગવર્નરે કહ્યું કે, આ વર્ષની યાત્રા થોડી લાંબી હશે, જે લગભગ 57 દિવસ સુધી ચાલશે. યાત્રા માટે નોંધણી ફરજિયાત કરવામાં આવી છે અને 15 એપ્રિલથી શરૂ થશે. તેમણે કહ્યું કે, યાત્રાળુઓ માટે લઘુતમ વયમર્યાદા 13 વર્ષ અને મહત્તમ 70 વર્ષ નક્કી કરવામાં આવી છે.
સિન્હાએ કહ્યું કે, દેશભરમાં લગભગ 556 નિયુક્ત બેંક શાખાઓ દ્વારા એડવાન્સ નોંધણી કરી શકાય છે, જ્યારે શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડની સત્તાવાર વેબસાઇટ દ્વારા પણ ઓનલાઇન નોંધણી ઉપલબ્ધ થશે. યસ બેંક, આઇસીઆઇસીઆઇ બેંક, પંજાબ નેશનલ બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને એક્સિસ બેંક તેમની શાખાઓ દ્વારા નોંધણીની સુવિધા આપશે. એલજીએ જણાવ્યું હતું કે પ્રથમ પૂજા 19 જૂનના રોજ જ્યેષ્ઠ પૂર્ણિમાના અવસરે કરવામાં આવશે. આ યાત્રા બે માર્ગોથી શરૂ થશે, અનંતનાગ જિલ્લામાં પરંપરાગત 48 કિલોમીટર લાંબા નુનવાન-પહલગામ માર્ગ અને ગાંદરબલ જિલ્લામાં ટૂંકા પરંતુ 14 કિલોમીટર લાંબા બાલટાલ માર્ગ પરથી.
હિન્દુસ્થાન સમાચાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ