
સુરત, 12 એપ્રિલ (હિ.સ.): પવિત્ર અમરનાથ યાત્રા જવા ઈચ્છતા શ્રદ્ધાળુઓ માટે જરૂરી હેલ્થ સર્ટિફિકેટ માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે તા:13/04/2026ના રોજથી જૂનું મેડિકલ કોલેજ બિલ્ડીંગ, શેટ્ટી કેન્ટીનની બાજુમાં, વોલીબોલ ગ્રાઉન્ડની સામે, બેંક ઓફ બરોડા નજીક, જૂની આરએમઓ ઓફિસની બિલ્ડીંગની સામે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ આપવાની કામગીરી કરવામાં આવશે. જે કામગીરી હોસ્પિટલ કામકાજનાં ચાલુ દિવસોમાં સવારે 9:30 થી બપોરે 1.30 વાગ્યા દરમિયાન થશે. યાત્રીઓને અગવડતા ન રહે તે હેતુથી કેસબારી, તબીબો, લેબોરેટરી રૂમ તથા ઇ.સી.જી. ની અલાયદી વ્યવસ્થા અને એક છત નીચે તમામ સુવિધા ઉભી કરવામાં આવી છે.
પવિત્ર અમરનાથ યાત્રા આ વર્ષે 3 જુલાઈથી 28મી ઓગસ્ટ સુધી યોજાનાર છે. યાત્રામાં જવા માટે ફિટનેસ સર્ટિફિકેટ ફરજિયાત છે, ત્યારે યાત્રાળુએ નંગ-4(ચાર) પાસપોર્ટ સાઇઝ ફોટા, આઇ.ડી. પ્રૂફ (આધાર કાર્ડ, વોટીંગ કાર્ડ, ડ્રાઇવીંગ લાઈસન્સ, પાન કાર્ડ પૈકી કોઇપણ એક) અસલ તથા ઝેરોક્ષ નકલ તેમજ કમ્પલસરી હેલ્થ સર્ટીફિકેટ ફોર્મ (બે નકલમાં) સાથે રૂબરૂમાં આવવાનું રહેશે.
અમરનાથ યાત્રાળુઓને તકલીફ ના પડે તે માટે ૬ મેડીકલ ઓફિસર, ફિજીશ્યન, બે લેબોરેટરી ટેકનિશીયન, બે ECG ટેકનિશીયન સહિતના કર્મચારીઓ ફરજ બજાવશે. સિવિલમાં થતી જરૂરી તપાસ અને સર્ટિફિકેટ વિનામૂલ્યે આપવામાં આવશે.
સરકારના પ્રવર્તમાન પરિપત્ર/ગાઇડલાઇન અનુસાર 13 વર્ષથી નીચેના અને 70 વર્ષ ઉપરનાં વ્યક્તિઓ, છ અઠવાડિયા કે તેથી વધુ સમયની ગર્ભવતી મહિલાઓ, હૃદયની બાયપાસ સર્જરી અને સ્ટેન્ટ મુકવામાં આવેલ હોય તેવા વ્યક્તિઓને મેડિકલ સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવશે નહીં તેમ વહીવટી તંત્રની યાદીમાં જણાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે