
મહેસાણા, 12 એપ્રિલ (હિ.સ.) : આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મહેસાણા જિલ્લામાં ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં રાજકીય ગરમાવો વધી ગયો છે. જિલ્લાભરમાં મહાનગરપાલિકા, નગરપાલિકા અને તાલુકા પંચાયતો માટે મોટી સંખ્યામાં ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે.
નવનિર્મિત મહેસાણા મહાનગરપાલિકા માટે કુલ 171 ઉમેદવારી પત્રો ભરાયા છે. જેમાં વોર્ડ નંબર 1 થી 5 માં 69, વોર્ડ 6 થી 9 માં 47 અને વોર્ડ 10 થી 13 માં 55 ફોર્મનો સમાવેશ થાય છે.
જિલ્લાની 5 નગરપાલિકાઓમાં કુલ 422 ઉમેદવારી પત્રો જમા થયા છે. ઊંઝા નગરપાલિકામાં સૌથી વધુ 117 અને વિસનગરમાં 104 ફોર્મ નોંધાયા છે. ઉપરાંત વિજાપુરમાં 77, કડીમાં 72 અને બેચરાજીમાં 52 ફોર્મ ભરાયા છે.
તાલુકા પંચાયતોમાં પણ કડક ટક્કર જોવા મળી રહી છે. જિલ્લાની 10 તાલુકા પંચાયતો માટે કુલ 716 ઉમેદવારી પત્રો ભરાયા છે. જેમાં વિજાપુર તાલુકા પંચાયત 100 ફોર્મ સાથે આગળ છે, જ્યારે મહેસાણા તાલુકામાં 96 ફોર્મ નોંધાયા છે.
ફોર્મ ભરવાના અંતિમ દિવસોમાં ઉમેદવારોની ભારે પડાપડી જોવા મળતા જિલ્લામાં ચૂંટણીનો માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR