
સુરત, 13 એપ્રિલ (હિ.સ.): સુરતના ઉત્રાણ વિસ્તારમાં આવેલ શાલીગ્રામ હાઇટ્સ સોસાયટીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં અજાણ્યા લોકોએ પ્રસાદના નામે ઝેર આપીને એક પરિવારને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. ગોરધનભાઈ ડોંડા જ્યારે ઘરે પરત ફર્યા ત્યારે તેમને દરવાજા પર લટકતી લાડુની થેલી મળી આવી હતી, જેને તેમણે સામાન્ય પ્રસાદ માનીને ઘરે લઈ ગયા હતા.
પરિવારના સભ્યો સાથે લાડુ વહેંચીને ખાધા બાદ થોડા જ સમયમાં ગોરધનભાઈ, તેમની પત્ની અને પુત્રવધુની તબિયત બગડવા લાગી હતી. તેમને ઉલટી, ચક્કર અને અશક્તિ જેવી લક્ષણો જણાતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ડોક્ટરો મુજબ ગોરધનભાઈની હાલત ગંભીર છે, જ્યારે અન્ય બે સભ્યો હાલ સ્થિર છે.
તપાસ દરમિયાન બચેલા લાડુઓમાં ઝેરની ગોળીઓ મળી આવતા મામલો વધુ ગંભીર બન્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આ સામાન્ય ફૂડ પોઈઝનિંગ નહીં પરંતુ વિચારીને કરવામાં આવેલ પ્રયાસ હોઈ શકે છે. આથી સ્પષ્ટ થાય છે કે કોઈએ પૂર્વયોજનાથી પ્રસાદમાં ઝેર ભેળવ્યું હતું.
પોલીસે સોસાયટીના સીસીટીવી ફૂટેજના આધારે પાંચ શંકાસ્પદ લોકોની ઓળખ કરી છે અને તેમની પૂછપરછ શરૂ કરી છે. પ્રાથમિક તારણ મુજબ, આ ઘટનામાં કોઈ ઓળખીતું વ્યક્તિ અથવા અંગત વેરઝેરનો ખૂણો પણ હોઈ શકે છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે