
પટના, નવી દિલ્હી, 14 એપ્રિલઃ બિહારના રાજકારણમાં એક મોટો ઘટનાક્રમ મંગળવારે થયો, જ્યારે મુખ્યમંત્રી નીતીશ કુમારની અધ્યક્ષતામાં મંત્રીમંડળની બેઠકમાં વર્તમાન સરકારને ભંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. લગભગ 20 મિનિટ સુધી ચાલેલી આ બેઠકમાં મંત્રીમંડળે સર્વસંમતિથી દરખાસ્તને મંજૂરી આપી હતી, જેનાથી સરકારના ઔપચારિક અંતનો માર્ગ મોકળો થયો હતો.
મંત્રીમંડળની બેઠક દરમિયાન મુખ્યમંત્રી નીતીશકુમારે, મંત્રીઓને સંબોધન કરતી વખતે લાગણીસભર સૂરમાં કહ્યું હતું કે, તેઓ દિલ્હી જઈ રહ્યા છે પરંતુ ત્યાંથી પણ રાજ્યની સ્થિતિ પર નજર રાખવાનું ચાલુ રાખશે. તેમણે તમામ મંત્રીઓ પ્રત્યે પોતાનો સ્નેહ અને આભાર વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ તેમણે મંત્રીમંડળને ભંગ કરવાની જાહેરાત કરી હતી, જેનાથી બેઠકનું વાતાવરણ ભાવુક થઈ ગયું હતું.
બેઠક બાદ મંત્રી લખેન્દ્ર પાસવાને માહિતી આપી હતી કે, મુખ્યમંત્રીએ તેને એક ભાવનાત્મક ક્ષણ ગણાવી હતી અને તમામ મંત્રીઓને પહેલા કરતા વધુ સારી રીતે કામ કરવા માટે પ્રેરિત કર્યા હતા. તેમણે કહ્યું કે, બિહારને વિકસિત રાજ્ય બનાવવા માટે સરકારે સાથે મળીને નોંધપાત્ર પ્રયાસો કર્યા છે અને હવે તેને આગળ વધારવાની જવાબદારી દરેકની છે.
મંત્રી રામ કૃપાલ યાદવે કહ્યું કે, આ ક્ષણ ભાવનાત્મક હતી અને મુખ્યમંત્રીએ દરેકનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, નીતીશકુમારે લગભગ 20 વર્ષ સુધી રાજ્યના વિકાસ માટે કામ કર્યું છે અને હવે તેઓ રાજ્યપાલને પોતાનું રાજીનામું સુપરત કરવા જઈ રહ્યા છે.
મંત્રી લેસી સિંહે પણ તેને ગર્વ અને ભાવનાત્મક ક્ષણ ગણાવી હતી. તેમણે કહ્યું કે, આટલા લાંબા સમય સુધી આવા નેતા સાથે કામ કરવું તેમના માટે સન્માનની વાત છે.
મંત્રીમંડળને ભંગ કર્યા બાદ, મુખ્યમંત્રી નિતીશ કુમાર આજે બપોરે 3.15 વાગ્યે રાજ્યપાલને પોતાનું રાજીનામું સુપરત કરશે. દરમિયાન, ભારતીય જનતા પાર્ટીએ પણ આજે એક મહત્વપૂર્ણ વિધાયક દળની બેઠક બોલાવી છે, જેમાં કેન્દ્રીય નિરીક્ષક તરીકે શિવરાજ સિંહ ચૌહાણ ઉપસ્થિત રહેશે. પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન પણ પટના પહોંચ્યા હોવાના અહેવાલ છે.
રાજકીય વર્તુળો, હવે નવી સરકારની રચના અને સંભવિત શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓથી ઘેરાયેલા છે.
હિન્દુસ્થાન સમાચાર /ગોવિંદ ચૌધરી/ઉદય કુમાર સિંહ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ