
નવી દિલ્હી, 14 એપ્રિલ કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ, મંગળવારે પ્રધાનમંત્રી સંગ્રહાલય અને પુસ્તકાલય (પીએમએમએલ) ના ચોથા સ્થાપના દિવસ પર 'એક ભારત શ્રેષ્ઠ ભારત' ટપાલ ટિકિટ પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન તેમણે બંધારણ, બાબાસાહેબ ડૉ. આંબેડકર અને પ્રધાનમંત્રી કાર્યાલયના સ્થાપના દિવસ સાથે સંબંધિત વિશેષ પોસ્ટકાર્ડનું વિમોચન કર્યું હતું.
આ કાર્યક્રમમાં પીએમએમએલની કાર્યકારી પરિષદના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રા, મહાનિદેશક (ટપાલ) જીતેન્દ્ર ગુપ્તા સાથે ટપાલ વિભાગ અને પ્રધાનમંત્રી સંગ્રહાલયના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સિંધિયાને દેશના વડા પ્રધાનો અને બંધારણના ઘડવૈયા બાબાસાહેબ આંબેડકરની સિદ્ધિઓ પરની દસ્તાવેજી ફિલ્મ પણ બતાવવામાં આવી હતી. તેમણે પીએમએમએલ પરિસરમાં સ્થાપિત દેશના તમામ પ્રધાનમંત્રીઓના યોગયાનો પર આજદિન સુધી બહાર પાડવામાં આવેલી તમામ ટપાલ ટિકિટો પણ જોઈ હતી.
સિંધિયાએ કહ્યું કે, આજે બંધારણ અને બાબાસાહેબને શ્રદ્ધાંજલિ આપવાનો દિવસ છે. ટપાલ વિભાગ અને પ્રધાનમંત્રી સંગ્રહાલય આ ભાગીદારીને દેશભરમાં પ્રદર્શનો અને સુવિધાઓના માધ્યમથી આગળ વધારશે. આ અંતર્ગત પ્રધાનમંત્રી સંગ્રહાલયમાં ટપાલ વિભાગનું એક આઉટલેટ સ્થાપિત કરવામાં આવશે.
તેમણે કહ્યું કે, જે રીતે ટપાલ વિભાગે છેલ્લા 75 વર્ષથી ભારતની સ્વતંત્રતા અને લોકશાહી વ્યવસ્થામાં યોગદાન આપ્યું છે, તે જ રીતે આગામી 22 થી 30 વર્ષોમાં પણ યોગદાન આપવાનું ચાલુ રાખશે. તેમણે તેને માત્ર એક શ્રદ્ધાંજલિ જ નહીં પરંતુ એક પ્રતિજ્ઞા તરીકે વર્ણવી હતી કે આપણે સાથે મળીને આગામી ભારતને આત્મનિર્ભર, સશક્ત અને વિકસિત બનાવવાની દિશામાં આગળ વધીશું.
લગભગ 45 મિનિટ સુધી ચાલેલા આ કાર્યક્રમમાં પ્રદર્શનનું ઉદ્ઘાટન, ટપાલ ટિકિટોનું પ્રદર્શન, પોસ્ટકાર્ડનું વિમોચન અને સમજૂતી કરારો પર હસ્તાક્ષર જોવા મળ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર /પ્રશાંત શેખર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ